Friday, June 26, 2020

અમે ૨૬ - હર્ષદ દવે

'અમે ૨૬'

૧૯૫૮ની એક સાહસ પ્રવાસ કથા. તરણનાં અનુભવી-બિન અનુભવી, સ્ત્રી-પુરુષ, કિશોર , એક બાર વર્ષ નો બાળપ્રવાસી વગેરે ૨૬ જણાં એ કરેલ ૧૨૫ માઈલનો , ૬ દિવસનો તાપી નદીનો રબરની હોડીઓ દ્રારા પ્રવાસ એટલેકે રાફટીંગ. ઉકાઈનો બંધ બંધાવા પહેલાં ની વાત.

ગુજરાતીઓ અને સાહસની વાત નીકળે એટલે કાંઈક અજૂગતું લાગે. પણ પહેલાં કદાચ એવું નહીં હોય. અથવા  એવું કહી શકાય કે પહેલાં લોકો પાસે સમય અને શક્તિ રહેતાં એટલે સાહસો પાર પાડી શકતાં. ખેર, અત્યારે ગુજરાતીઓમાં સમય અને શક્તિની કમી છે કે મૂળ સાહસની એ બાબતે તો આપણે સ્પષ્ટ કહી ન શકીએ પણ આવી સાહસ કથા વાંચીને આનંદ જરૂર થાય. અભૂતપૂર્વ એવી આ યાત્રા વાંચતાં જબરો રોમાંચ અનુભવાય છે.

હર્ષદભાઈ દવેએ આલેખેલી આ યાત્રા સાહસ ઉપરાંત તેની ભાષા અને પ્રવાહિતાથી પ્રભાવિત કરી જાય છે. હર્ષદભાઈ નો પોતાનો અને તેમનાં સાથી પ્રવાસીઓ નો જોમ, જુસ્સો, સાહસ બખૂબી નીખરે છે. નદી, જંગલ અને કુદરતનાં અનેક રંગ, પાસાંને શબ્દદેહ આપતી વખતે સૌંદર્યની તેમની દષ્ટિ સહેજ પણ સંકોચ નથી રાખતી.

રબરની હવા ભરવાની ૯ હોડી સાથે ટ્રેનનો આખો ડબ્બો ભરાય એટલો સામાન. ૨૬ જણ અને આ સામાન સાથે ૯ હોડીઓથી શરૂ કરેલ પ્રવાસ...એક વ્યવસ્થિત આયોજન સાથે શરૂ થાય છે. દરેક કામ માટે ટૂકડીઓ છે અને કડક નિયમ પાલન છે. બધું પાકે પાયે છે પણ હોડીઓ જમાનાની થપાટો ખાધેલ, અનેક સાહસોમાં વપરાઈને કાંઈક જર્જરિત થઈ ચૂકેલી છે. એટલે પ્રવાસમાં આવેલ અનેક વિધ્નો ની શરૂઆત હોડીથી જ થાય છે. વળી રબરની હોડી એટલે ક્યાંક ધારદાર ખડક આવે તો પણ ચિરાય જાય કે પંકચર થવાની શક્યતા રહે. પરત ફરતાં માત્ર ચાર હોડી સલામત રહેવા પામે છે.

સાહસમાં જોખમ માત્ર હોડીઓનાં ખસ્તા હાલ હોવાનું જ નથી. જંગલમાં રહેતાં અને જુદી જ ભાષામાં બોલતાં આદિવાસી, જંગલી પ્રાણીઓ, નદીમાં આવતાં ઘૂમરી ખાતાં વમળો અને ખડકો. પણ પ્રવાસીઓ પૂરી તૈયારી સાથે નીકળ્યા છે. મુશ્કેલીઓની મજા માણી શકે તેવાં ૨૬ ની ટીમ છે.

પહેલી પંચવર્ષીય યોજનામાં ઉકાઈ ડેમનાં બંધાવાની જબરી ફડક અને સરકાર સામેનો રોષ પ્રકાશાથી  કાંઠે વસનારાંઓમાં પડઘાય છે. ઉકાઈ નજીક સાગ, વાંસનાં જંગલોને લીધે આદિવાસીઓ થોડાં સધ્ધર છે. સ્ત્રીઓનાં કલાત્મક પોશાક તથા વાંસ અને સાગનાં ઉપયોગથી બનાવેલ લીંપણ વાળા ઘરોની શોભા વિશે લખતાં લેખક એનાંથી કેટલાં અભિભૂત થયાં હશે તે જણાય આવે છે.

તાપી વિશે જ્યારે લેખક લખે છે...

દરિયાલાલને મળવાની ધૂનમાં મસ્ત બની દોડતી તાપીએ, એનો માર્ગ અવરોધતા ઊભેલાં છેલ્લાં કાળમૂખા પથ્થરોથી અકળાઈને છૂટવા, આરકાટીનાં આ સ્થાને ખરેખર રુદ્ર એવું આરાસુરી રૂપ ધારણ કરી લીધું છે. તેનાં મધ્ય પ્રવાહનાં પ્રચંડ ધસારામાં , તાપીએ ત્રીસ ફૂટ સુધીની ઊંચાઈનાં અભેદ્ય શિલાખંડોને પણ જાણે હાથતાળી આપતાં જ, સહસા ચાળીસ ફૂટની નીચી ફાળ ભરી દીધી છે. એ મધ્ય કિલ્લેબંધી નાં ઉપરનાં પ્રવેશદ્રારે ફક્ત પાંચ ફૂટનો પહોળો પ્રવાહ માર્ગ બન્યો છે. જ્યાં થી ઘેરી ગર્જનાઓ સાથે ધસારો કરતો એ મધ્ય પ્રવાહ, પહેલાં એક આડી પડેલી શીલા પરથી ભૂસકો મારી, આગળ ની ત્રીસ ફૂટ પહોળી ગલીમાં , પ્રચંડ આવેગ સાથે નીચી ફાળ ભરી ઢાળ પૂરો કરે છે. પ્રવેશદ્વાર પરનાં એ પાંચ ફૂટનાં ઊંચા પથ્થર પરથી, પ્રવાહનો એ ભૂસકો, છલાંગ મારી શિકાર પર તૂટી પડેલી સિંહણ જેટલો તાકાતવાન છે.

આરાકોટીનાં પ્રવાહમાં હોડી સાથે ઉતરવાનાં દિલધડક સાહસનું વર્ણન હોય કે, પગપાળા આવતા દસ જણાં નું જંગલમાં ભૂલા પડી આખી રાત ખૂલ્લામાં રાત ગુજારવાની વાત હોય, શિયાળાની રાતે પૂરાં રસથી આકાશદર્શન નો લહાવો લૂંટાવનાર જીતુભાઈની વાત હોય...લેખક આપણને સાહસનાં એક એક તબક્કે આપણાં રોમાંચ અને રસને જાળવીને આગળ વધતાં રહે છે.

'ઓ વન વગડાનાં વણઝારા રે, જોને મારગ ચીંધે તને ગગનનાં તારા રે'......આવાં ગીતો આ ભાષામાં હતાં!!! અને આવાં ગીતો ગાનારાં અને જીવનારાં સાહસિકો ની આ વાત ભલે થોડાં દિવસનાં સાહસની હોય પણ વાંચવા જેવી છે.

બરફ રસ્તે બદરીનાથ - સ્વામી આનંદ

ઉત્તરકાશી રુદ્રાવાસમાં રોકાયેલ સ્વામી આનંદ કપડાં સૂકવતાં સાથી સાધુ સામે બળાપો કાઢે છે. સાહસિક પ્રવૃત્તિઓ કે લોકો પ્રત્યે આપણાં લોકો કેટલાં ઉદાસીન છે એ બાબતે. વિદેશમાં આવાં લોકોને અન્યો તરફથી કેટલો ઉત્સાહ અને મદદ મળે જો કોઈ સાહસ માટે તૈયારી બતાવી નીકળી પડવા તત્પર હોય તો. આપણે ત્યાં ભણેલાં લોકો ખરાં પણ સાહસિક વ્યક્તિતો દરિયામાં ખસખસ જેટલાંય ન મળે. સ્વામીજીની સરખામણીની રીત મલકાવી જાય એવી પણ એકદમ સચોટ, આજેય એટલી જ સાચી.

આ વાત એમની બાજુમાં રહેતાં સાધુએ સાંભળી, બહાર આવી પૂછ્યું તમારાં પાડોશીને વિશે કાંઈ જાણો છો? ખૂબ ઓછાં બોલા સ્વામી પ્રબોધાનંદજી એમની બાજુમાં રહેતાં. ફિલોસોફી ભણેલાં આ ખડતલ સાધુ પાસે વાત કઢાવવી અઘરી હતી પણ જે જાણકારી હતી એટલાં પરથી સ્વામી આનંદને અંત્યંત ઉત્સુકતા હતી. કેમ ના હોય? એ જમાનામાં સાવ ટાંચા સાધનો સાથે ગંગોત્રીથી બદરીનાથ! મારી પણ હાલત કાંઈ એવી જ થઈ અને એક બેઠકે આ નાનકડું પુસ્તક વાંચી ગઈ.

Across the Gangotri glasiar અથવા ગુજરાતીમાં 'બરફ રસ્તે બદરીનાથ'.

સ્વામી પ્રબોધાનંદજી એ જ્યારથી કોઈ બર્ની સાહેબ વિશે સાંભળેલું જે ગોમુખથી કાલિંદી ઘાટ થી બદરીનાથ પહોંચેલ ત્યારથી એ ઈચ્છા પણ બીજા વિશ્વયુદ્ધ ને લીધે અટકવું પડ્યું. છતાં એનાં વિશે જે માહિતી એકઠી કરી શકાય તે કરતાં ગયાં. આજે આપણે ઇન્ટરનેટનાં જમાનામાં કદાચ સમજી પણ ન શકીએ કે એ પણ કેટલી અને કેવી કુસ્તીનું કામ હશે.

સ્વામી પ્રબોધાનંદજી સાથે બીજા પાંચ સાધુઓ અને ગાઈડ તરીકે દલીપસિંઘ આમ ટોટલ સાત જણની ટોળીએ આ અંત્યંત સાહસિક સંકલ્પ લીધો. એમની પાસે પરદેશી પર્વતારોહીઓની માફક જાતજાતનાં સાધનો કે વધુ કાંઈ સગવડ પણ નહીં. એમાંય બે સાધુ દિગંબર. છ દિવસનાં આ સાહસ માટે બે જોડી સન ગ્લાસ, સ્વામી આનંદ પાસે એક માત્ર સ્વેટર, ઓઢવા-પાથરવા માટે બબ્બે ધાબળા, ગામલોકોએ ઊનનાં કચરા માંથી બનાવી આપેલ જોડા જે માત્ર ત્રણેક કલાક જ કામ આપવાનાં હતાં, એક કુહાડી અને એક તાંબાની લોટી, પોતપોતાનું જળપાત્ર...આ સિવાય રોટલા, મગજનાં લાડુ અને ચાની સામગ્રી. આજે તો આ વિચારતાં પણ થથરી જવાય. હોકાયંત્ર,ટોર્ચ, કેમેરા કે દૂરબીન તો દૂર દૂરની વાત. જે સમયે પરદેશી પર્વતારોહીઓ લાખેકનાં ખર્ચે આવાં સાહસો કરતાં ત્યારે આ સાધુ ટોળીએ માત્ર ૩૯ રૂપિયામાં આ યાત્રા કરેલી!!! એ પણ માત્ર ખાવાપીવાની વસ્તુઓ માટે.

આખુંય પુસ્તક વાંચતાં આપણે પણ એમની સાથે પ્રવાસ કરી રહ્યાં હોઈએ, એ જ પહાડોની તેમનાં શબ્દોનાં આધારે કલ્પના કરતાં ચિત્રો ઉભાં કરતાં જઈએ, એ ઠંડકમાં એમણે કેવી હાડમારી ભોગવી હશે તે વિશે વિચારમાં હોઈએ, હિમાલયનાં કુદરતી સોંદર્ય વિશે તેમનાં વર્ણનથી ત્યાં પહોંચી જવા વ્યાકૂળ થઈ ઉઠીએ, એ સમયનાં પહાડી લોકોને કે તેમનાં જીવનને શબ્દચિત્રોને આધારે સમજવાની કોશિષ કરતાં હોઈએ, કે રસ્તે આવતાં જોખમો વિશે વાંચીને રોમાંચિત થઈ જતાં હોઈએ અને પુસ્તક મૂકતાં ફરી આપણી વાસ્તવિક ધરતી પર આવતાં સમજાય કે એ બધું કેટલું કપરું હતું.

આ પુસ્તક વાંચતાં સતત એવું થાય કે આવું વધારે ને વધારે લખાવું જોઈએ અને આજની પેઢીએ, યુવાનોએ સાહસ સાથે આવાં પુસ્તકોને જોડીદાર બનાવવા જોઈએ.