Saturday, January 18, 2020

ફરી ઉતરાખંડ તરફ

ફરી ઉત્તરાખંડ તરફ

અનિશ્ચિતતા એ અમારી જીંદગીનો એક ભાગ છે. આમેય માણસ લાખ કોશિષ કરે તોય સો ટકાની નિશ્ચિતતા શક્ય છે ખરી? યોગ્ય આયોજન, પ્લાનિંગ, વ્યવસ્થા એ બધાંની આવશ્યકતા અને મજા પણ ખરી જ, છતાં અનિશ્ચિતતા એકદમ નકારાત્મક પણ ના કહી શકાય. ખાસ કરીને એવું હું અમારી આ છેલ્લી રોડટ્રીપ પછી કહી શકું છું.

ઉત્તરાખંડ તો ગયા વર્ષની ટ્રીપ પછી ગમી જ ગયેલું, ફરી ત્યાં જવું છે એવું પણ હતું. છતાં એક વખત સિક્કિમ પણ વિગતે વિચારી જોયું. મેઘભાઈની સ્નોટ્રેક અને કેમ્પીંગ ની ઈચ્છા અને આશનાને બર્ડીગની...એની આજુબાજુ કાંઈક વિચારવાનું હતું. છેવટે ઉતરાખંડ જ નક્કી થયું. કેદારકંથાનો સ્નો ટ્રેક કરી પછી આગળ જવું. આગળ નું કાંઈ નક્કી નહીં! ત્રણ દિવસનો ટ્રેક - તૈયારી તો જોઈએ જ. શક્ય એટલી માહિતી મેળવી અને મોટાભાગની તૈયારી કરી, થોડી બાકી રાખી, થોડું સાંકરી જઈને જોઈશું. બસ ઉપડ્યા...

સવારે સાત-સાડા સાતે શરૂ કરેલ સફર રાતે સાડા દસે સીધાં જયપુર. ઉદયપુર જેવાં આકર્ષણો રસ્તે ખરાં પણ અમને તો ઉત્તરાખંડ પહોંચવાની ઉતાવળ હતી. સવારે ફરી એક વખત વેધર રિપોર્ટ ચેક કર્યો, ૧૧-૧૨-૧૩ ડિસેમ્બરે વાતાવરણ ખરાબ થવાની શક્યતા હતી એટલે કેદારકંથા ટ્રીપથી શરૂઆતને બદલે અંતમાં કરીશું અથવા ખલિયા ટોપથી શરૂ કરીએ એમ વિચારી અલ્મોડા જીલ્લામાં ઘટ્ટીથી ઉતરાખંડ જવાનું નક્કી કર્યું. જયપુરમાં રાત રોકાવાની થાય એટલે હિંગ વાળી કચોરી અને ગુજરાતી સમાજ ભવનની પાસે આવેલ પ્રખ્યાત લસ્સી વાલાની કુલ્હડ લસ્સી એ જ નાસ્તો.



ત્રિશૂલ હોમસ્ટે, ઘટ્ટી માં ગયા વર્ષે રોકાયેલાં, સારો અનુભવ હતો એટલે ફોન પર વાત કરી હતી આજે રાત સુધી પહોંચીશું. સવારે જયપુરથી નીકળ્યા ત્યારથી આખો દિવસ સૂર્યનાં બિલકુલ દર્શન જ ન થયાં, વાતાવરણ ખુશનુમા હતું. દિલ્હી વટાવ્યા પછી કાશીનગર સુધી રસ્તો સાંકડો અને ખૂબ ટ્રાફિક. રામનગર થઈને જીમ કોર્બેટ પસાર કરવાનું હતું, પહાડી રસ્તો હતો. અંધારુ ઘણું થયેલ અને ઠંડી પણ જોરદાર પણ જગ્ગુભાઈને કીધેલું અમે આવીએ છીએ અને એણે રૂમ પણ રાખેલી એટલે ધીરે ધીરે આગળ વધતાં રહ્યાં. અંધારી રાત, પહાડ અને જંગલનો સૂમસામ રસ્તો, વાતાવરણ એકદમ ઠંડુ..... કદાચ ક્યાંક કોઈ જાનવર મળી જાય તો ?!. બીજું તો કાંઈ નહીં એક હરણ અને ત્યાં થી સહેજ આગળ જતાં હરણનું બચ્ચું રસ્તામાં બોખલાઈને ઉભેલું મળ્યું. એ સિવાય ક્યાંક કોઈ ટ્રક આવતી જોવાં મળી એ જ. અમને ધારવા કરતાં ઘણું મોડું થયેલું ઘટ્ટી પહોંચતાં. સાત વાગ્યામાં લોકો પથારી ભેગા થઈ જતાં હોય ત્યાં અમે રાતે દસ પછી પહોંચ્યા. જગ્ગુ ભાઈને ઘણી બૂમો પાડી પણ કોઈ દેખાયું નહીં. પછી જોયું તો એમની બે રૂમ માંથી એકને તાળું હતું પણ એક ખુલ્લી રાખેલી. અમારાં માટે જ હશે...બીજું કાંઈ વિચારવાનો સમય નહોતો, અમે પણ સીધાં પથારી ભેગા. ગોદડાં બરફ જેવાં લાગે શરૂની થોડી મિનીટો માટે, અને આ અમારી પહેલી રાત હતી હિમાલયમાં....થથરતાં થથરતાં થાકનાં માર્યા ક્યારે થંભી ગયા ખબર ન પડી.

બીજા દિવસે જગ્ગુ ભાઈએ કહ્યું  ઘણી વખત હાથીઓ આ રસ્તામાં ટ્રક પર હુમલો કરે છે. ટ્રકમાં ખાવાપીવાનો સામાન જતો હોય છે અને ઘણી વખત ડ્રાઈવર નીચે ઉતરતાં હોય છે... એમાં ક્યારેક હુમલો કરી બેસે છે.

ઘટ્ટી થી રાનીખેત

ઘટ્ટીમાં પહેલી રાત...આખી રાત જોરશોરથી અવાજો સંભળાતા રહ્યાં. પહેલી વખત તો ભર ઊંઘમાંથી જાગી જવાયું, ઊંઘ માં સમજ ના પડી કે આટલો મોટો ધડાકો, શું હશે? પણ એ તો વરસાદ, વાદળોનાં ગડગડાટ!!! આપણે અહીં સાંભળ્યા જ હોય પણ આ કાંઈક વધુ તાકાતવર, વધુ નજીક.



ત્રિશૂલ હોમસ્ટેનું લોકેશન સરસ છે. ગયા વર્ષે લગભગ સૂર્યાસ્તની પહેલાં પહેલાં અહીં થી પસાર થઈ રહ્યાં હતાં. દૂર દૂર ત્રિશૂળ, ચૌખંભા નાં દર્શન થઈ રહ્યાં હતાં અને હવે આ ઊંચાઈ અને હિમાલય છૂટી જવાનાં એવી ફિલીંગ થઈ રહી હતી. ફોટો લેવા માટે ગાડી થોભાવી. નિખીલ ને હતું સાંજ સુધીમાં રામનગર પહોંચી જઈએ પણ અમને અહીં ગમી ગયેલું. વળી, હોમસ્ટેનાં પાટિયા પર નજર ગઈ અને થઈ ગયું સેટિંગ!



સવારે કાચની બારીમાંથી જોયું તો ઝરમર વરસાદ, ઓલમોસ્ટ ઝીરો વિઝીબિલીટી અને ભયંકર ઠંડી! બહાર નીકળવા માટે પણ હિંમત જોઈએ 🙂.

ગયા વર્ષે અહીં અમને એક આર્ટિસ્ટ મળી ગયેલાં અને હવે તો મિત્ર છે. અમે બહાર નીકળીએ એ પહેલાં જ એ આવી પહોંચ્યા. ફરી એક વખત ઘણી ઘણી વાતો. એમની રોડટ્રીપ્સ, આર્ટ વર્કશોપ્સનાં અનુભવો, ઉત્તરાખંડ અને ઉત્તરાખંડનાં લોકોની વાતો.....ખૂટે જ નહીં.

જગ્ગુભાઈ પણ આવી ગયાં, અમે અહીં આવ્યાં અને મોસમ ખરાબ છે એનો એને અફસોસ થઈ રહ્યો હતો! અને બપોર સુધી તો બહાર પણ ન નીકળી શકાય એવું વાતાવરણ...અમે રૂમમાં જાણે બંધ થઈ ગયાં. જગ્ગુભાઈ ની વાઈફ જયા, ઉત્તરાખંડની બીજી બધી સ્રીઓની માફક ખૂબ મહેનતું છે. એમનું ઘર બાજુમાં છે. દોડી દોડીને ફટાફટ કામ કરતી જાય, આવી ઠંડીમાં પણ સહેજ પણ આળસ નહીં અને સ્મિત હંમેશા હાજર. આલુ પરાઠા અને ચા નો નાસ્તો.



અમે અહીં જ બે ચાર દિવસ રહી જઈએ, આજુબાજુ ફરવાનું, ટ્રેક પણ વિચારી શકાય વગેરે ઘણાં ઓપ્શન આર્ટિસ્ટ મિત્ર આપતાં ગયાં પણ અમારે તો આગળ જવું હતું. એમને મળતાં સમાચારો મુજબ વાતાવરણ બહુ ખરાબ થઈ રહ્યું હતું અને લગભગ બધે બરફ પડી રહ્યો હતો. અહીં પણ દેખાતું જ હતું. ધીમે ધીમે જઈશું પણ આગળ જઈએ એમ વિચારી નીકળ્યા.




રાનીખેત તરફ...રાનીખેતનાં ટૂરીસ્ટી આકર્ષણોમાં અમને બહુ કાંઈ રસ નહોતો. અને રસ્તામાં આટ આટલું સૌંદર્ય વેરાયેલ પડ્યું હોય ત્યાં સફરને માણીએ કે અમુક તમુક જગ્યાએ જવું એવો ઈરાદો રાખીએ. ઘટ્ટીથી રાનીખેત લગભગ ૩૫ કિમીનો રસ્તો છે પણ આરામથી, મન થાય ત્યાં અટકતાં - રોકાતાં જ્યારે રાનીખેત પહોંચ્યા ત્યારે અંધારુ થઈ ગયેલું.

રસ્તામાં કલાવતી કોટેજનું પાટિયું જોયું, ફોન લગાવ્યો. આ જાઓ, હો જાયેગા. પણ અમને લગભગ ૧૦-૧૫ કિમી દૂર આવેલ યોગ હોમસ્ટે વધુ યોગ્ય લાગી રહ્યું હતું. ફોન પર નક્કી જ કર્યું  અને રાનીખેત ક્રોસ પણ કરી નાખેલું પણ ત્યાં એમનો જ ફોન આવી ગયો... ઈલેક્ટ્રીસીટી નથી અને વાતાવરણ ખરાબ છે એટલે શક્ય હોય તો અમે રાનીખેત જ રોકાય જઈએ. કલાવતી વાળાનો ફોન આવી જ રહ્યો હતો એટલે યુ ટર્ન અને ફરી પાછા કલાવતીને રસ્તે.

ભારે હવે થઈ...મેઈન રસ્તેથી કલાવતીનું પાટિયું શોધતાં શોધતાં ફરી એ ફાંટા સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં અંધારુ ખાસ્સું ઘેરાઈ ગયેલું. થોડો થોડો વરસાદ ચાલુ જ હતો. કલાવતી વાળાનો ફોન ચાલુ હતો - આગે આઈએ, ઔર આગે આઈએ, આતે જાઈએ.....અને એમ કરતાં એક કાચી અને સાંકડી સડક પર જઈ પહોંચ્યા. આજુબાજુ ઘરો પણ બધે અંધારુ. પૂછવા માટે પણ કોઈ નહીં. આગળ જતાં એક દરવાજા બંધ કમ્પાઉન્ડ પર રસ્તો પૂરો. આગળ જવાય એવું નહીં, ટર્ન લેવાની જગ્યા નહીં, સાંકડી અને વાંકીચૂંકી પહાડી ગલીમાં રિવર્સ લેવાનું પણ મુશ્કેલ. અહીં ડ્રાઈવ કરનાર અને કો ડ્રાઈવર ની આવડત અને ટ્યૂનિંગ મસ્ત...સ્નો ફોલ ચાલુ જ હતો અને થથરાવતી ઠંડીમાં બહાર ઉતરીને આશનાએ સરસ રીતે પ્રેશરવાળી આ પરિસ્થિતિ સંભાળી. જ્યારે એ લાંબી સડક પરથી નીકળી ને બહાર આવ્યાં ત્યારે એક હાશકારો અનુભવ્યો.

ઓફ સિઝનમાં ફરવાનાં ફાયદામાંનો એક... સસ્તાંમાં સારી હોટલ કે સ્ટે મળી જાય. અહીં પણ અમે એકલાં જ હતાં. મેનેજર, રિશેપ્સનીસ્ટ, કૂક જે કહો તે એક જ માણસ હતો. જશપાલ ભટ્ટીનાં એરપોર્ટ વાળા ફ્લોપ શોની જેમ. ડિનર તૈયાર થયું એટલી વારમાં બરફ ખાસ્સો પડી ગયો. ઠંડી વધુ હતી એટલે પેલાં ભાઈએ હીટર ચાલુ કરી આપ્યું પણ થોડી વારમાં તો બિજલી ગૂલ.

બીજે દિવસે ખબર પડી કે એક ઝાડ પડેલું એટલે પાવર ગયેલો. અહીં પહાડોમાં એવું જ.

કસારદેવી તરફ...

જ્યારે અંધારુ થયા પછી કોઈ અજાણી જગ્યાએ રોકાવાનું થાય ત્યારે સવાર બહુ આશ્ચર્યજનક હોય છે. એ જગ્યાનું સાચું સૌંદર્ય ધીરે ધીરે સ્પષ્ટ થતું જાય. પહાડોમાં સૂર્યોદય અને સૂર્યાસ્તની મજા અલગ હોય છે...પણ ઠંડીની સામે ઝૂકી ન જાઓ તો.



સવારે ઊઠીને જોયું તો ધુમ્મસને લીધે હજી કાંઈ દેખાતું નહોતું...પણ પછી પહાડો ઝાંખા પાંખા દેખાવા શરૂ થાય, લાલ-લીલા-પીળા રંગનાં મકાનો, પછી ઝાડ પાન.....એમ ધીરે-ધીરે સૃષ્ટિ ખૂલતી જાય. વળી સંતાકૂકડી કે જાદુ જે કહો તે ચાલે. કોઈ પહાડ દેખાય અને ઘડીકમાં ગાયબ! ફરી ધીરે-ધીરે ઉઘડે ફરી ગાયબ! અને અમે નાનાં બાળકોની જેમ કુદરતનાં આ ખેલને આશ્ચર્ય મિશ્રિત આનંદથી જોઈ રહીએ.



ઉત્તરાખંડનાં એક શિક્ષકે રિટાયરમેન્ટ પછી ખેતી શરૂ કરી અને ઓર્ગેનિક પધ્ધતિથી કીવી ઉગાડીને ખૂબ ફાયદો મેળવે છે. વાંદરા બીજા ફળોની ખેતીને નુકશાન કરે પણ કીવીને નથી અડતાં, બિમાર પહાડીઓને રિપેર કરવા માટે જાપાનીઝ તજજ્ઞોની ટીમ, વન્યપ્રાણીઓ ને મારવા બદલ ચાલતાં કેસ, દિપડાએ કરેલ શિકાર, પાંડવ નૃત્ય જેવાં લોકલ ઉત્સવોની ઉજવણી.....વગેરે સમાચારો પેપરમાં વાંચતાં થયું આ પણ પ્રવાસનું એક મહત્વનું અંગ. જે તે પ્રદેશમાં પ્રવાસ કરી રહ્યાં હોઈએ તેનાં જનજીવનને સ્પર્શતા નાનાં મોટાં પાસાં વિશેની માહિતી હોય તો ત્યાંનાં લોકો અને જીવન વિશે સમજ પણ કેળવાય અને ક્યારેક વાતચીતનો મોકો મળે તો વધુ જાણકારી મેળવવાનાં રસ્તા પણ ખૂલે અને એ રીતે લોકો સાથે જોડાવામાં પણ આસાની રહે. જેને હું પ્રવાસનો સૌથી મહત્વનો હેતુ ગણું છું.



સવાર ઉઘડી રહી હતી પણ છેક અગિયારેક વાગ્યે સહેજ સહેજ તડકો દેખાવો શરૂ થયો. આ ઠંડીમાં સૂર્યપ્રકાશ એક વૈભવ જ લાગે. હું સૌથી છેલ્લે રૂમમાંથી બહાર નીકળી ત્યાં સુધી તો ત્રણે જણે આજુબાજુ ઘણું જોઈ જાણી લીધેલું. કલાવતી કોટેજ ખૂબ સુંદર લોકેશન પર સરસ રીતે મેનટેઈન કરેલી હોટેલ છે. આશના એનાં કેમેરા સાથે ગાયબ, મેઘ ભાઈને એક પપી મળી ગયેલું તો રમવામાં મશગૂલ અને નિખીલ એમ જ કુદરતનાં નઝારામાં લીન. હોટેલનો જ એક માણસ હમણાં જ ગાડી લઈને ચૌવટીયાથી આવેલો, એની ગાડી પર બરફનો થર હતો. એણે કહ્યું ત્યાં બહુ બરફ પડ્યો છે, લગભગ બે ફૂટ છે. એનાં કહેવા પ્રમાણે ...બરફ ગિર ગઈ, અબ બારિસ નહીં હોગી. ચૌવટીયામાં ફળોનાં બગીચા છે અને અહીં થી ૧૦-૧૫ કિમી દૂર હતું. જોકે ફળોની ખેતીમાં વાંદરાઓને કારણે ઘણું નુકશાન છે. નાસ્તો કરીને કલાવતીથી નીકળ્યા...કસારદેવી થઈ મુનસ્યારી જવું એવો વિચાર હતો. થોડું ઊંધી દિશામાં જવાનું હતું પણ કસારદેવી જવાનું એક આકર્ષણ હતું.

કસારદેવી ખાસ દૂર નથી અહીં થી ૫૦ કિમીનો રસ્તો. આમેય પહાડી રસ્તામાં થોડી વાર લાગે અને આશનાને વારેઘડીએ ગાડી થોભાવવી હોય...એટલે અમને સમય તો વધુ જ લાગે છતાં એમ હતું કે સાંજ સુધીમાં કસારદેવી પહોંચી જશું અને ત્યાંથી સૂર્યાસ્ત જોવા મળશે. અને શક્ય હશે તો ત્યાં જ આસપાસમાં ક્યાંક રોકાય જઈશું.



એક મંદિર તરફ જતો ઉપર ચડીને જવાનો રસ્તો દેખાયો. ગીચ ઝાડપાન વાળો રસ્તો જોઈ જવાનું વિચાર્યું. કાલિકા મંદિર હતું. આશના બર્ડીગ માટે અને મેઘને બૂટ સાથે મોજાં પણ કાઢીને નહોતું આવવું માટે બહાર જ રહ્યાં. દક્ષિણામાં રસ રાખતાં મહારાજ હતાં.

રસ્તે જતાં ઝીપલાઈનનાં બોર્ડ પર નજર પડી. મેઘ તલપાપડ. આજકાલ કોઈ ટુરિસ્ટ તો હતાં નહીં એટલે એમાં પણ સારું એવું ડિસ્કાઉન્ટ!



મજખલીથી એક બહેનને લિફ્ટ આપી. મજખલીની સરકારી સ્કૂલમાં શિક્ષક એટલે રૂમ રાખીને રહે મજખલી પણ ઘર અલ્મોડામાં. હસમુખા અને વાતોડિયા એ બહેન ને પહેલાં જ કીધું અમે ધીરેધીરે અટકી અટકીને જઈશું. એમને વાંધો નહોતો કારણકે એમની ત્રણ વાગ્યાની છેલ્લી બસ છૂટી ગયેલી. એમની ત્રણ દિકરીઓ અને એમનું ભણવાનું એ એમની વાતોનું કેન્દ્ર. રાનીખેત અને અલ્મોડા પહેલાં કેવાં હતાં અને આજે કેવાં છે તેની વાતો. એમણે કહ્યું હું તમને કસારદેવી જવાનો એક બીજો રસ્તો છે તે બતાવીશ, તમને નજીક પડશે. હું એ ટર્ન પર ઉતરી જઈશ, ત્યાં થી કોઈક રીતે અલ્મોડા પહોંચીશ. ગૂગલ પણ એમ બતાવી જ રહ્યું હતું, આર્ક બ્રીજ પાસેથી ટર્ન લેવાનો.

એમણે રસ્તામાં આવતાં કટારમલ સૂર્યમંદિરની વાત કરી. કોશી પાસેથી જ ઉપર રસ્તો જતો હતો. ત્યારે ધ્યાન ન રહ્યું અને પાછળથી જ્યારે આ મંદિર વિશે વિગતો જાણી ત્યારે થોડો અફસોસ થઈ ગયો. ખેર, બીજી કોઈ વખત. આમેય ઉત્તરાખંડમાં એટ એટલું છે કે જ્યાં હાથ નાંખો ત્યાં કંઈક અદ્ભૂત, કાંઈક સુંદર, કાંઈક ઐતિહાસિક, કાંઈક માહિતી પ્રદ મળી જ આવે. પણ આ મંદિર ૯ મી સદીનું, અદભૂત આર્કિટેકચર અને નકશીકામ...જોકે મંદિરનાં અમૂલ્ય એવાં લાકડાંનાં નકશીદાર દરવાજા, થાંભલા, મૂળ મૂર્તિ વગેરે દિલ્હીનાં નેશનલ મ્યુઝિયમમાં સચવાયેલ છે.



જ્યારે એ ટર્ન આવ્યો ત્યારે ઈન્ટરનેટ વીક પડી ગયેલું અને નિખીલે પૂછ્યું તો...નહીં સીધા હી જાના હૈ. અને અમે સીધાં ઓલમોસ્ટ અલ્મોડા જ પહોંચી ગયા!. એમણે બતાવેલાં લેફટ ટર્ન પર વળી ગયા. ત્યાં વળી આશનાને કોઈ ઘુવડ દેખાય ગયું. ઉપર ચડતાં અતિસુંદર સૂર્યાસ્ત નાં દર્શન થઈ રહ્યાં હતાં. અહીંથી પણ કસારદેવી જઈ શકાય એમ હતું પણ એક તો અંધારું ઝડપથી ઊતરી રહ્યું હતું અને અહીં થી ચઢીને ઉપર જવાનું હતું. સવારે જઈશું, અત્યારે પહેલાં રહેવાનું ગોઠવીએ. પણ આ રોડ પર કોઈ સ્થળ દેખાય નહોતું રહ્યું, એક રિસોર્ટ હતો પણ એ અમારાં કામ નો નહીં.

કોઈએ બતાવ્યું આગળ તો જંગલ જ છે, તમે અલ્મોડા જતાં રહો. અલ્મોડાનાં દૂરથી જ દર્શન થયાં હતાં. ખૂબ જ ગીચ શહેર બની ગયેલું લાગ્યું. એ તરફ જવાની ઈચ્છા ઓછી જ હતી પણ મને મોશન સીકનેસ વર્તાઈ રહી હતી એટલે છેવટે પાર્કિંગ વાળી હોટલ શોધી ત્યાં જ રોકાવું પડ્યું. બહાર જવાની ઈચ્છા થઈ નહોતી રહી, હોટલ નું કિચન ઠીક ના લાગ્યું. ઈન્ડકશન, મેગી અને સૂપ નાં પેકેટસ હતાં જ! વહેલી પડે સવાર.

કસાર દેવી

કસાર દેવી જવું છે...એ વિચાર મૂળે ગયા વર્ષનો. એ પાછળનું કારણ સ્વામી વિવેકાનંદ અને આ જગ્યાની આસપાસ સંકળાયેલ મિસ્ટરી. સ્વામીજી કર્ણપ્રયાગમાં પણ ૧૮ દિવસ રોકાયેલ એવો ઉલ્લેખ છે અને તે અમે ગયા વર્ષે ગયેલાં. પણ અહીં થયેલ આધ્યાત્મિક અનુભવો વિશે સ્વામીજીએ લખ્યું પણ છે એમ કહે છે. ( મારે હજુએ લખાણો શોધવા બાકી છે ). સ્વામીજી ૧૮૯૦માં અહીં આવેલાં અને અહીંની ગુફામાં તપસ્યા કરી હતી.



લગભગ બીજી સદીનું મંદિર છે કૌશિકીદેવીનું, શુંભ અને નિશુંભ નામનાં અસુરોનો તેમણે અહીં વધ કરેલો એવી કથા છે.

આ એક હકીકત અને પુરાણકથા ઉપરાંત કસાર દેવી પૃથ્વી પરનાં એવાં પ્રદેશમાં આવેલ છે જેનું ચુંબકીય ક્ષેત્ર અન્ય બે જગ્યાઓ સાથે સામ્ય ધરાવે છે. ઈંગ્લેન્ડમાં આવેલ Stonehenge અને પેરુમાં આવેલ Machu Picchu. આ થોડું અટપટું છે. જેમ્સ એલન વાન નામનાં વૈજ્ઞાનિકે શોધેલ Van Allen Belt વિશે નાસાએ ઘણાં સંશોધનો કર્યા છે. આ બેલ્ટ, સૂર્યમાંથી ઉત્પન્ન થતાં સોલાર વેવ અને બીજા કોસ્મિક વેવ પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્રમાં ટ્રેપ થવાને લીધે રચાય છે. અવકાશમાં જતાં સ્પેસ ક્રાફટ અને એસ્ટ્રોનોટને આ બેલ્ટમાંથી  પસાર થતી વખતે રેડીયેશનથી ઘણું નુકશાન થાય છે. હાનિકારક સોલાર તેમજ કોસ્મિક વેવ્સ આ હાઈ એનર્જી પાર્ટિકલ્સનાં આ બેલ્ટ સાથે અથડાઈને ડિફલેકટ થાય છે એ રીતે એ આપણને બચાવે પણ છે. હવે Stonehenge અને Machu Picchu સાથે કસાર દેવીની સામ્યતા એ છે કે આ બેલ્ટ માં અમુક જગ્યાએ જે ગેપ છે તેની અસરનાં કારણે આ ત્રણ જગ્યા ખાસ બને છે...એવું માનવામાં આવે છે. અહીં મેડીટેશન આસાનીથી થઈ જાય છે, ક્રિએટિવ એનર્જીને બુસ્ટ મળે છે વગેરે માન્યતાઓ આ જગ્યા સાથે અનેક કારણો થી જોડાયેલ છે. અનેક વિદેશી લેખકો, કવિ, ફિલોસોફર્સ વગેરેનાં નામ આ જગ્યા સાથે જોડાયેલા છે.

પેલાં શિક્ષીકા બહેને બતાવેલાં લેફટ ટર્ન ને બદલે રાઈટ ટર્ન પર જવાનું હતું. એ તરફ હોટલ, હોમ સ્ટે વગેરે ઘણું હતું અને આસાનીથી મંદિર પહોંચવાનો રસ્તો પણ. કદાચ એમની ભૂલ થઈ હશે.

મૂળે અહીં બીજી સદીનું કસાર દેવીનું મંદિર હતું. અત્યારે તો નવું મંદિર છે. એકદમ શાંત જગ્યા. ઠંડીમાં મોજાં પણ કાઢી નાંખવાનાં, જરાક થથરી જવાય...પણ ચાલે. નાનકડું અને સાફ મંદિર, પલાંઠી વાળીને બેસતાંની સાથે જ મન એકદમ શાંત થઈ ગયું હોય એમ લાગ્યું. જે વાતાવરણ હતું, જે એકાંત મળ્યું એ બધાંની અસર કે ખરેખર આ જગ્યા ની અસર એ સ્પષ્ટ ના થયું પણ હું ત્યાં ખાસ્સી વાર બેસી શકી. સ્થિર અને શાંત. થોડાં પગથિયાં ચડીને ઉપર એક શિવ મંદિર છે. એકદમ શાંત અને સ્વચ્છ વાતાવરણ. એક જટાવાળા મહારાજ આંટો મારી ને જતાં રહ્યાં. પાસે જ એક શિલાલેખ છે જે છઠ્ઠી સદીનો હોવાનું મનાય છે.



પાસે જ Crank's Ridge તરીકે જાણીતી જગ્યા છે. હિપ્પી હિલ તરીકે પણ ઓળખાય છે. ખૂબ સુંદર પહાડી છે. દૂર દૂરનાં શિખરો સ્પષ્ટ જોઈ શકાય છે.



કસાર દેવીથી નીકળી સાંજ સુધીમાં બાગેશ્ર્વર પહોંચી જઈશું એમ નક્કી કરી આગળ વધ્યાં. રસ્તે બીનસર વાઈલ્ડ લાઈફ સેન્ચયૂરી હતી પણ એને છોડી ધીરે ધીરે મન થાય ત્યાં રોકાતા આગળ વધતાં રહ્યાં.

ઘટ્ટીમાં ત્રિશૂલનાં દર્શન આ વખતે વાદળ અને ધુમ્મસને લીધે થયાં નહોતાં. અને એ પછી અત્યાર સુધીનાં રસ્તે કોઈ બરફીલા પહાડો દેખાયાં નહોતાં. હવે દેખાતાં થયાં હતાં. વાદળોને લીધે સ્પષ્ટ ઓળખી નહોતું શકાતું. કોઈ સારો સ્પોટ શોધી જ રહ્યાં હતાં અને ટર્નિગ પર થોડાં માણસો હતાં. એકને ગાડીમાંથી જ પૂછ્યું, આ કયા પહાડો છે? તો એણે સીધું કહ્યું...જાઈએ ઉપર ટેરેસ સે દેખ લીજીએ. અમને તો ભાવતુ'તુ ને વૈદે કીધું જેવું થયું. એણે ત્રિશૂલ, નંદા દેવી, નયા હિમાલય બતાવ્યાં. એનાં ઘર અને દુકાનની અગાશી હતી અને અહીંથી સરસ વ્યૂ મળતો હતો. એ ભાઈ હોટલ બનાવવા માટે વિચારી રહ્યાં હતાં.




 બાગેશ્વર હજી બારેક કિમી દૂર હતું પણ ઠંડી જામી રહી હતી. ત્યાં અગાશી પરથી જ પાછળ એક હોટલ પર નજર પડી અને આગળ જવાને બદલે ત્યાં જ રોકાય ગયાં. અગાશી પર હતો એ જ મસ્ત વ્યૂ હોટલ નો હતો. નવી જ હતી, ગેસ્ટ અમે એકલાં જ.

દૂર દૂર દેખાતાં એ ઉતુંગ શિખરો અને દિવસને અંતે એનાં પર પડી રહેલાં સૂર્ય કિરણો સાંજને રમ્ય બનાવી રહ્યાં હતાં. ઠંડીએ જ્યાં સુધી રહેવા દીધાં ત્યાં સુધી અંદર બહાર થતાં રહીને પણ એ સુંદરતાને માણતાં રહ્યાં. અને સવારે સુંદર સૂર્યોદયની આશા સાથે વિરમી ગયાં.

ગ્વાલદામ

હોટલ પૌડીધાર નામનાં ગામમાં છે અને પૌડીધાર ભોટીયા લોકોનું ગામ છે. હિમાલય પર ઉગતાં જાત જાતનાં ઝાડ પાનનો વિવિધ રોગો કે શારિરીક તકલીફોમાં ઉપયોગી કેવી રીતે કરવો એ વિશેનું જ્ઞાન તેમની સંસ્કૃતિનો એક ભાગ છે.

અમારી રૂમનાં દરવાજાને ખોલતાં જ પાછળ ઓટલો અને વિશાળ બગીચા માટેની જગ્યા છોડેલી છે અને જ્યાં બગીચો પતે છે ત્યાં પહાડની ધાર છે. સામે નંદા દેવી, નંદા ખાટ, ત્રિશૂલનાં દર્શનમાં કોઈ અવરોધ નથી. સાક્ષાત નજરની સામે આ વિશાળ પર્વતોને જોતાં અમે ધરાતાં નથી. રાતે હોટલવાળા ભાઈએ કીધેલું સવારે સાડા પાંચે સૂર્યોદય સમયે સરસ દર્શન થશે. એટલે એટલી ઠંડીમાં પણ વહેલાં ઊઠીને દરવાજો ખોલવાની હિંમત ન થાય ત્યાં વારેઘડીએ અંદર બહાર થયા કર્યુ. પણ ધુમ્મસ ખાસ્સું હતું. સૂર્યનારાયણનાં દર્શન દુર્લભ હતાં. પર્વતો અદશ્ય હતાં. થોડો સમય ફરી નિંદ્રાદેવીને શરણે થઈ ગયાં. ફરી ઉઠ્યા ત્યારે સાફ એકદમ સફેદ પર્વતોની હારમાળા!



સુંદર જગ્યાએ ખૂબસૂરત સવાર અને સાથે સૂર્યપ્રકાશની હૂંફ. પહાડો, પક્ષીઓ, વૃક્ષો, આસપાસનાં ઘરો અને ખેતરો... બધું ને બધું આખાય દ્રશ્યની સુંદરતામાં પોતપોતાનો ફાળો ઉમેરતાં હતાં. બગીચામાં હજી કશું ઉગાડેલ નથી. આ સિઝનમાં પાલો પડે અને છોડપાન ખતમ થઈ જાય એટલે હજી કશું રોપ્યું નથી. પણ એની જાતે ઊગી નીકળેલ છોડપાનની સુંદરતા પણ કાંઈ ઓછી નથી...સાવ સૂકાયેલ હોય તો પણ. સવારે ખાસ્સો સમય  કુદરતનાં સાંનિધ્યમાં વિતાવી આગળ પ્રયાણ કર્યુ.

મેઘભાઈની બરફમાં જવાની ઈચ્છા બળવતર બનતી જતી હતી. સૌથી પહેલાં કેદારકંથા કરીને આગળ વધવાનું હતું, એ કેન્સલ થયું વાતાવરણને લીધે. હવે મુનશ્યારી. કપકોટ થઈને મુનશ્યારી લગભગ પાંચેક કલાકનો રસ્તો હતો. બાગેશ્વરનું બજાર ક્રોસ કરતાં અમે કાંઈક વાતોમાં રહ્યાં અને કપકોટ જતો રોડ છૂટી ગયો. એ પછીનો રસ્તો સુંદર અને શાંત હતો. ઊંચા ઊંચા દેવદાર વૃક્ષો અને એમાં થી પસાર વાંકાચૂંકા, ઊંચા નીચા રોડથી સર્જાતા અનુપમ લેન્ડસ્કેપ. વચ્ચે ક્યાંક દેખાય જતાં પીળાં પીળાં પાન વાળાં ચિનારનાં વૃક્ષ. આખાય લીલાં, ભૂખરાં રંગનાં દશ્ય માં ચિનાર વૃક્ષો ઊડીને આંખે આવે છે અને તેની અધધધ સુંદરતા અને ફેલાવો થોડી ક્ષણો માટે આપણને અભિભૂત કરી જાય છે.



અચાનક ધ્યાન જાય છે આ કપકોટ જતો રસ્તો નથી પણ ચૌકોરી થઈને મુનશ્યારી જતો ૨૦-૨૨ કિમી વધારે લાંબો રસ્તો છે. પણ અમારી વાતો, કુદરતની છટાઓ અને પક્ષી નિરીક્ષણ/ફોટોગ્રાફી કરતાં કરતાં વીસેક કિમી તો ઓલરેડી આવી ગયાં હતાં.



કરોળિયાની પેલી વાર્તાની માફક ઉત્તરાખંડમાં એટલું બધું છે કે અહીં પણ જઈએ કે ત્યાં પણ જઈએ એમ બધી દિશામાં જવા દઈએ તો ખેંચાઈ જવાય. એકાદ બે ટ્રીપમાં બધું કવર ન થઈ શકે અથવા શાંતિથી ફરવું હોય તો ઘણાં દિવસો અને બજેટ પણ જોઈએ. મુક્તેશ્વરમાં બહુ બરફ પડ્યો છે, જઈ શકાય એમ જ નથી. એવું અમારાં આર્ટિસ્ટ મિત્ર એ કહેલું. બીનસર મહાદેવ, જાગેશ્વર ધામ, પાતાલ ભૂવનેશ્વર વગેરે અનેક જગ્યાઓ પ્રત્યે ઘણું આકર્ષણ થવા છતાં એક પછી એક છૂટી ગઈ.



મુનશ્યારીને રસ્તે જ હતાં પણ થયું કે મુનસ્યારીથી બાગેશ્વર જવા માટે એક દિવસ, આવવા માટે બીજો અને ટ્રેક એમ ત્રણ-ચાર દિવસ નીકળી જશે. મુનસ્યારીની સુંદરતા આર્કષતી હતી પણ ખબર નહીં કેમ આવી દુનિયાદારી હાવી થઈ ગઈ અને ફરી બાગેશ્વર પહોંચ્યા. અનિશ્ચિત સફરનાં ફાયદા કે ગેરફાયદા?! ખબર નહીં.

મેઘભાઈ જરાક ઉદાસ...પણ એ મારો એકદમ ફલેકસીબલ દિકરો. ચેન્જને તરત જ સ્વીકારી લીધો. બીજાં બે જણને વધુ ફરક નહોતો...પ્રકૃતિનું સૌંદર્ય, પક્ષીઓ અહીં બધે વેરાયેલું જ છે અને એ લોકો બધે જ ખુશ.



બે દિવસથી એક ટાયરમાં પ્રેશર ઓછું થઈ જતું હતું અને હવા ભરીને ચલાવતાં હતાં. બાગેશ્વરમાં પંકચર ઠીક કરાવવાં રોકાયાં. બજારમાં આંટો માર્યો. નાનકડાં ટાઉનનું નાનકડું બજાર. મેડીકલ સ્ટોરમાં ખાસ્સી ગિર્દી...લોકો આવતાં જાય, પોતાની તકલીફ બતાવતાં જાય અને દુકાનનો માલિક તેમને દવા આપીને કેવીરીતે લેવાની તે સમજાવતો જાય. અલ્મોડાની બાલમિઠાઈ ચાખવાની રહી ગયેલી તે ખરીદી. શિયાળાને લીધે રંગબેરંગી સ્થાનિક રજાઈઓ અને ઈલેક્ટ્રીક હીટરનું વેચાણ જોરમાં લાગ્યું. બટાકા જેવું એક શાક જોયું, જેને અહીં લોકો ગૂંઠી કહે છે. ગરમ પ્રકૃતિનું હોવાથી ઠંડીમાં લોકો ખાસ ખાય છે.

બાગેશ્વરથી બૈજનાથ થઈ ગ્વાલદામ... વચ્ચે ઘણો રસ્તો એવો કે જાણે સાવ સપાટ પ્રદેશમાં  પહોંચી ગયાં. એલ્ટીટયૂડ ચેક કરીએ તો ૭૦૦ ની આસપાસ. પછી ઘણાં ચડાવ ઉતાર આવ્યાં કર્યા. રસ્તે બરફાચ્છાદિત પર્વતોની સંતાકૂકડી ચાલતી રહે, પર્વતની એક તરફ હોઈએ ત્યારે દેખાય અને બીજી તરફ જઈએ એટલે છૂપાઈ જાય‌. મને ગ્વાલદામથી ત્રિશૂલનાં દર્શનની તાલાવેલી હતી.

ગ્વાલદામ પહોંચતાં સૂર્યાસ્ત થવા આવ્યો હતો. હું GMVN માં રૂમની તપાસ કરવા ઢાળ ચડી અને ત્રિશૂલ નું જે સ્વરૂપ નજરે પડ્યું.....અવિસ્મરણીય, અદભૂત, અનુપમ! શું કહી શકાય? શબ્દોની સાચે સરહદ આવી જાય આવાં દશ્યનાં વર્ણનમાં. આશના કહે, આ પર્વતો આપણી નજરે મેગ્નીફીસન્ટ દેખાય પણ કેમેરા માં એ કેપ્ચર કરવું અશક્ય. સાચે જ! કેમેરા કે શબ્દો કાંઈ કામ ન લાગે...જાતે જોવાં અને અનુભવવાની સામે.



GMVNની હાલત ઠીકઠાક જ હતી. ટૂરિસ્ટનાં નામ પર કોઈ કરતાં કોઈ નથી. ડબલ બેડ રૂમનો ટેરિફ ૧૩૦૦ છે પણ ૭૫૦માં આપવા તૈયાર છે.

રૂમ હજુ નક્કી કરવો બાકી છે અને GMVNની સામે આવેલ દુકાનોનાં એક ખાંચા માંથી બરફ દેખાય છે. આ તરફ ખબર પણ ના પડે અને પેલી બાજુ એક - દોઢ ફૂટનો બરફ પથરાયેલ પડ્યો છે! મેઘને ઉઠાડયો....બરફ જોઈને સૌથી વધુ આનંદ તો એને જ. એ મકાનની અગાસી પરથી અસ્ત પામી રહેલાં સૂર્યનાં કિરણોમાં દૈદિપ્યમાન ત્રિશૂલને એકદમ અંધારુ ન થયું ત્યાં સુધી અલવિદા ન કહી શકયા‌.



ગ્વાલદામ નાનકડું સુસ્ત ગામ છે...નાની નાની દુકાનો છે, ચોકખાઈ બિલકુલ દેખાતી નથી, બરફ પીગળવાને લીધે ભીનાં થયેલાં ક્યાંક કીચડ વાળા રસ્તા છે‌. નિખીલ અને મેઘ બીજી દિશામાં રૂમની તપાસ કરવા ગયાં. ત્રણેક હોટલ જ છે...ખાસ ઠેકાણાં નથી પણ રહેવાનું તો છે જ.

અંધારુ અને ધુમ્મસ ઉપરાંત ગરમ કપડાંમાં આમતેમ ફરી રહેલાં અમુક માણસો. દુકાનો માંથી આવી રહેલો પીળો  પ્રકાશ આ બધું જ આ સુસ્ત ગામડાં ને કાંઈક અલગ બનાવી રહ્યાં હતાં. બધું જ જાણે ખૂબ હળવાશથી, શાંતિથી વહી રહ્યું હતું.



ગાડી સ્ટાર્ટ કરીને હોટલ પર જવાની તૈયારીમાં જ હતાં ત્યાં એક માણસ આવીને વિન્ડો પર ટકોરા મારે છે. કહે છે, મેં ભી ગુજરાતમેં થા. વૈસે ઉત્તરાખંડ કા હૂં. એક કનેક્શન અથવા તો એની ગુજરાત વિશેની યાદ એને અહીં દોરી લાવે છે, અજાણ્યા લોકો સાથે વાત કરવા પ્રેરે છે. ગુજરાતની ગાડી જોઈને આવ્યો છે. આવું ઘણી વખત બને છે.

રહેવાનું નક્કી થયાં પછી યાદ આવે છે કે ભૂખ પણ લાગી છે. ઠંડી ભારે હતી અને આજુબાજુ કાંઈ ઠીક ખાવાનું મળે એવું લાગ્યું નહીં. હોટલમાં ચોખ્ખાઈ ઠીક જ અને પાણીનાં ફાંફા એટલે મેગી કે સૂપ બનાવવાનો મૂડ પણ બનતો ન હતો. રગડા સમોસા ખાવાની નિખીલ સિવાય કોઈની હિંમત ન હતી. કોફી અને બિસ્કીટ પર ચલાવ્યું.

 ચમોલી

ગ્વાલદામ ઉત્તરાખંડનાં કુમાઉ અને ગઢવાલની સરહદો પર આવેલ છે. અત્યાર સુધીની સફર કુમાઉમાં હતી, ગ્વાલદામ પહોંચતાં ગઢવાલ અને જનપદ ચમોલીમાં પ્રવેશ. ગયા વર્ષે ટ્રીપનો વધુ સમય ચમોલીમાં જ રહેલાં અને આ પ્રદેશ અમને ખૂબ ગમી ગયેલો.

સવારની ઠંડી મને જલ્દી બહાર નથી નીકળવા દેતી. પણ આશના અને નિખીલ નીકળી પડે છે. સૂર્યોદય સમયનાં જાજરમાન ત્રિશૂલ દર્શનથી હું અને મેઘ બાકાત રહી જઈએ છે.



ગ્વાલદામથી રુપકૂંડ, કૌરી પાસ, નંદા દેવી વગેરે ટ્રેક માટે બેઝ કેમ્પ રહેતો એક જમાનામાં. હવે તો રોડ ઉપર સુધી જાય છે એટલે અહીં કોઈ નથી આવતું. આવું એક દુકાનદારનું કહેવું હતું. ગ્વાલદામ જેવાં પ્રકૃતિનો પુષ્કળ વૈભવ ધરાવતા સ્થળની ઝાંખપનું કદાચ આ જ કારણ હતું. 'હમ તો યહીં કે હૈ તો યહીં રહેંગેં, નૌકરી તો હૈ નહીં કી બહાર ચલે જાયેંગે. બસ યે દુકાન ચલાતે હૈ'.

ગરમ કાંઈ ખાવા પીવાનું મળવું મુશ્કેલ જ હતું અને બરાબર ભૂખ લાગી હતી. આશનાએ મેગી બનાવી. થોડાં બિસ્કીટ, મગફળી વગેરે પર ચલાવ્યું. આગળ થરાલી ગામ આવતાં એક થોડી વ્યવસ્થિત દુકાનમાં ગરમાગરમ રગડા સમોસા મળી ગયાં.



જેમ જેમ આગળ વધતાં ગયાં તેમ તેમ ત્રિશૂલ, નંદા દેવી વગેરે બધાં જ ઓઝલ થતાં ગયાં થરાલી પહોંચ્યા ત્યાં સુધીમાં. પણ એમની જગ્યા લેવાં જ જાણે હોય તેમ થરાલીથી ખળખળ વહેતી પિંડર નદીનો સાથ મળી ગયો! આમ તો પિંડર છેક પિંડારી ગ્લેશિયર માંથી ઉદભવ પામે છે અને કર્ણ પ્રયાગમાં અલકનંદા સાથે જોડાય છે. ગંગા જેમાંથી આકાર પામે છે તે સૌથી મોટી પાંચ નદીઓ ભાગીરથી, અલકનંદા, ધૌલીગંગા, મંદાકિની અને પિંડર ઉતરાખંડનાં પહાડોમાંથી જ ઉદભવે છે.



થરાલીથી શરૂ કરીને પિંડરનાં અનેક જુદા-જુદા રૂપ, મિજાજ નાં દર્શન સતત થયાં કરે છે. ક્યારેક સાવ સમાંતરે આવે છે અને જરાક જઈને પાણીનો સ્પર્શ કરી આવવાનું મન થાય છે અને ક્યાંક ઊંચાઈ એથી નીચે પથરાયેલો નદીનો આખો પટ જોવાં મળે છે વિસ્મયથી અચંબિત થઈ જોઈ રહીએ છે. નદીની સામેની બાજુએ મોટેભાગે જંગલો જ છે, છતાંય ક્યાંક કોઈ કોઈ ઘર કે મકાન દેખાય આવે છે. આશ્ચર્ય થાય કે લોકો કેવી રીતે ત્યાં રહેતાં હશે, કેવીક અગવડો સહન કરવી પડતી હશે.



લંચ માટે એક જગ્યાએ અટકીએ છે. નદીનો કિનારો છે, ખેતરો અને આસપાસ થોડાં ઘરો છે. રમણીય વિસ્તાર છે અને એ પણ પિંડરનાં કિનારે...અહીં રહેવાની લાલચ થઈ  આવે છે. હોમસ્ટે જેવું તો કાંઈ છે નહીં અને ટેન્ટ નાંખી ને રહેવાની વાત પર લોકોની નજરમાં સતત જાનવરનો ડર રહે છે. સામેનાં પહાડની ટોચ પર શિવમંદિર છે જાણીને આશ્ચર્ય થાય છે કારણકે જ્યાં થી અમે જોઈ રહ્યાં હતાં ત્યાંથી એ એકદમ સીધો પહાડ દેખાતો હતો. ટ્રેક કરીને જઈ શકાય કાંતો બીજી તરફથી મોટરેબલ રોડ છે.

અમે આગળ વધીએ છીએ અને છેક કર્ણપ્રયાગ સુધી પિંડર અમારો સાથ આપે છે. કર્ણપ્રયાગ પસાર કરતાં શિવાજી સાવંતની 'મૃત્યુજંય' યાદ આવી જાય છે અને કર્ણનાં એ પ્રચંડ વ્યક્તિત્વને મનોમન વંદન કરી આગળ વધીએ છીએ.

બ્રિજ વટાવીને બીજી તરફ આવીએ છીએ અંને પિંડરનો સંગાથ છૂટે છે પણ હવે અલકનંદાને કિનારે કિનારે આગળ વધીએ છીએ નંદપ્રયાગ સુધી. ત્યાં અલકનંદા સાથે જોડાય છે નંદાકિની. નંદપ્રયાગ પછી પણ અલકનંદા સાથે જ છે ચમોલી સુધી.

ચમોલીથી લગભગ સાત આઠ કિમી પર ગોપેશ્વર છે. ગોપનાથ મહાદેવનું મંદિર, બાર ફૂટ ઊંચું ત્રિશૂળ, સંધ્યા સમયે અનુભવેલ દિવ્ય કહેવાય એવી અનુભૂતિ. ગયા વર્ષની એ મુલાકાત એવીને એવી યાદ છે.

ગોપેશ્વર થી ચોપતા સુધીનો પ્રદેશ તો જાણે અમારાં માટે ખૂબ પરિચિત હતો. સામે શિખરો પર બરફ દેખાય છે તે ગયાં વર્ષે બરફાચ્છાદિત નહોતાં. ગોપેશ્વર થી ચારેક કિમી પર ગયા વર્ષે રહેલાં એ  જગ્યાએ ઉતરીને હોટલ પર જાવ છું તો પિયૂષ, હોટલ માલિકનો દિકરો તરત ઓળખી જાય છે અને એકદમ ખુશ થઈ નમસ્તે કરે છે. પરિચિતતાનો આનંદ બધાંનાં મોં પર દેખાય છે.

ગરમાગરમ દાળ ભાત અને હાશ, ઘર જેવું ખાવાનું મળ્યું. કાલે સવારે સતી અનસૂયાનો ટ્રેક કરીશું.

સતી અનસૂયા

ચમોલી, ગોપેશ્વર, મંડલ.....ગયા વર્ષે ચોપતાથી લઈને આ આખો પ્રદેશ અમને ખૂબ ગમેલો. ચોપતાથી રિર્ટન ઉખીમઠનાં રસ્તે નહોતું જવું, કારણ ચારધામ યોજનાને લીધે રસ્તો ખોદાયેલો હતો એટલે બરફ વાળો હતો, કદાચ આગળ ન જઈ શકાય એમ હોવા છતાં ગોપેશ્વરનો રસ્તો લીધેલો. અને પછી થોડાં દિવસ ત્યાં જ રોકાયેલાં. આ વખતે પણ આનું જ આકર્ષણ કદાચ અમને બીજું બધું છોડીને અહીં આવવા પ્રેરતું હતું.

ગઢવાલ એટલે ગઢો વાળો પ્રદેશ. ગઢ કોનાં? સાક્ષાત શિવ નાં?! પંચ કેદાર નો આ પ્રદેશ કેદારખંડ કે કેદારક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે. તો શું ખાસ છે ગઢવાલનાં આ પ્રદેશમાં. અહીં પહાડોની જે ઊંચાઈ છે, જંગલોની જે ગીચતા છે, પહાડોની ગોઠવણી અને ગીચતા પણ કદાચ અને અલ્મોડા, હરિદ્રાર-ઋષિકેશ, દહેરાદૂન બાજુ જે વસ્તીની ભીડભાડ જોવાં મળે છે એ પણ નથી. અહીં પ્રકૃતિમય ન બની જાઓ તો જ નવાઈ.




૧૯૭૩માં ચિપકો આંદોલનની શરૂઆત અહીંથી જ થઈ હતી. વનો અહીંની પહાડી પ્રજાનાં જીવનનું અભિન્ન અંગ. આ ઝાડને કાપવાની સરકારી પરવાનેદારોની વૃતિ સામે અડગ ઊભેલી પ્રજા અને ખાસ તો સ્રીઓ. આંદોલનની અસર એટલી જોરદાર હતી કે ઝાડને વળગીને બચાવવા એ તો સિમ્બોલિક હતું, એનું નામ જ કાફી હતું. આ અહિંસક આંદોલને દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું હતું અને જંગલોની જાળવણી પ્રત્યે જાગૃત થવાની જરૂરિયાત વિશે લોકમાનસને ઢંઢોળવાનું કામ કર્યું હતું. અત્યારે પણ જંગલોની જે ગીચતા જોવાં મળે છે તેનું શ્રેય આ આંદોલન અને તે પછી આવેલ જાગૃતિ કાળમાં રોપાયેલા વૃક્ષોને પણ આભારી છે. વન પંચાયત હેઠળ દરેક ગામ પોતાનાં જંગલની જાળવણી કરે તો જીવનજરૂરી પેદાશો મેળવવા દૂર જવું ન પડે. પોતાનાં ગાય ભેંસ ને ચરવા લઈ જવા, બળતણ લાવવા કે પ્રાણીઓ માટે ઘાસચારો લાવવો વગેરે અનેક કામો મોટેભાગે અહીંની સ્રીઓ જ કરે છે એટલે જંગલો સાથે તેમનો સંબંધ વધુ ગાઢ છે. અત્યારે જોકે નવી પેઢીને અહીં ગામ/જંગલોમાં રહેવાનો કે ખેતી કરવાનો કોઈ રસ નથી.

કુમાઉમાં ચીડ અને દેવદારનાં વૃક્ષો મોટેભાગે જોવાં મળે, વચ્ચે વચ્ચે ચિનાર. પણ અહીં ગઢવાલમાં Oak અને Ash વધારે. Rhododendron એટલેકે બુરાંશ પણ અઢળક છે પણ એનાં ફૂલોની શોભા જોવા તો અમારે ઉનાળે આવવું પડશે.

સવારે પેક-અપ કરીને નીકળ્યાં. સહેજ આગળ જતાં નદી નજરે પડે છે. અહીં જ તો, આ નદીમાં કેટલી મજા કરેલી! એ જ બાલખીલા કે અમૃતગંગા નદી. ત્યારે તો નામ પણ નહોતી ખબર! પણ નામથી શું? નદીની સાથે સાથે આગળ વધીએ છે. ગયા વર્ષે પેલાં લાફિંગ બુધ્ધાને મળેલાં ( એ ભાઈ નું સ્મિત અને દેખાવ એવો છે 😊 ) તેની દુકાન પર અટકીએ છે. પહેલી હું જ ઉતરું છું.‌..સહેજ અપરિચિતતા અને પછી તરત ઓળખી જાય છે. એની જખોઉનાં વઘાર વાળી મેગીનો ઓર્ડર આપીએ છે, હમણાં જ નાસ્તો કરીને આવ્યાં તો પણ. પહાડી લોકો સ્વભાવે શાલીન હોય છે અને શહેરી સંસ્કૃતિની અસરથી બચેલા આવાં માણસોને મળવું મને હંમેશાં ગમે છે. અનેક હાડમારી અને વેપાર-ધંધાની અનિશ્ચિતતા વચ્ચે પણ ખુશ રહેતાં આ માણસો અહીંની સ્થાનિક સંસ્કૃતિને જાળવીને બેઠાં છે.

બપોર થવા આવી છે અને અનસૂયાજીનો ટ્રેક શરૂ કરીએ છે. ગાડી પાર્ક કરીને ઉતરીએ છીએ, ત્યાં જ પાસે નદી વહી રહી છે. નાનકડો પુલ ક્રોસ કરતાં જ ઢોળાવ પર વસેલું નાનકડું સુંદર સિરોલી ગામ છે. જંગલી જાનવર તેમજ ઠંડીથી પોતાનાં ઢોરને બચાવવાં માટે પાકાં મકાન છે. ક્યાંક પોતાની જરૂરિયાત પૂરતું ઉગાડેલ શાકભાજી છે. ગામમાંથી પસાર થઈ ને એક કેડી પર આવીએ છે. નદી સાથે સાથે જ વહી રહી છે પણ અમારાંથી ઉલટી દિશામાં. અમે ઉપર જઈ રહ્યાં છીએ અને નદી નીચે. નદીની પેલી બાજુ ખાસ્સો ઊંચો એક પહાડ છે. એકદમ ધીમે ધીમે આગળ વધી રહ્યાં છીએ, અનેક પક્ષીઓનો કલરવ સંભળાય રહ્યો છે. બપોર છે પણ પહાડોની ઠંડક વાળી અને સૂર્ય હજી થોડી વાર પહેલાં જ આ ઘાટીમાં પહોંચ્યો હશે. આશના પક્ષીઓમાં ખોવાય જાય છે. મેઘ ભારે મૂડમાં છે.



રસ્તે એક છાપરાં વાળી દુકાન છે, ત્યાં થોભીએ છે. મેથીની ભાજી નાખેલાં ચણા... ઠંડીમાં ગરમ ખાવાની મજા. એ બિસ્ત ભાઈ કહે છે, તમારી પાસે ગાઈડ નથી? અત્રિ ગુફામાં બે પથ્થર છે તેની વચ્ચેથી ઘૂંટણિયા ભરીને જવાનું છે.

અલક મલકની વાતો કરતાં, ફોટા પાડતાં ચાલ્યાં જઈએ છે. ઘણો આસાન ટ્રેક છે પણ સુંદરતા અદ્ભૂત છે. હા, ઘણી જગ્યાએ હમણાં થોડાં દિવસ પહેલાં થયેલાં દત્તાત્રેય જયંતિ ઉત્સવની નિશાની દેખાય છે....લોકોએ ફેંકેલા પેપર કપ અને રેપર્સ. આખાય રસ્તે સામે રુદ્રનાથની બરફાચ્છાદિત પહાડીઓ દેખાય છે. રસ્તે એક દેવી મંદિર, સુંદર પ્રતિમા વાળું ગણેશ મંદિર, ૬ઠ્ઠી સદીનો એક શિલાલેખ વગેરે આવે છે. ચારેક કિમીનો ટ્રેક પતાવીને ક્યારે ઉપર પહોંચી ગયા ખબર પણ ના પડી.



સતી અનસૂયાની એ પૂરાણકથાથી કોઈ ભાગ્યેજ અજાણ હશે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેમનાં બાળક થઈને રહ્યાં હતાં એ સતી અનસૂયાની આ જગ્યા. બાળકો ને ખવડાવ્યું હતું આ જગ્યાએ એટલે અહીંથી વહેતી નદીનું નામ બાલખીલા!. એક મોટું દળદાર દેવદાર વૃક્ષ મંદિરનાં ચોગાનમાં ઊભું છે. મંદિરમાં કોઈ છે નહીં. શ્રદ્ધાનાં પ્રતિકરૂપે બાંધેલી ઘંટડીઓની હારમાળા છે. સંતાન વિહીન દંપતિઓ બાળક માટે માનતા રાખવા અહીં આવે છે અને તેનાં જન્મ પછી અહીં આવી ઘંટડી ચડાવે છે. સતી અનસૂયાને આ ત્રણેય દેવોનાં આશિર્વાદથી પ્રાપ્ત થયેલ દિકરો એટલે દત્તાત્રેય. એટલે અહીં દત્તાત્રેય જયંતિ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.



પૂરાણકથા, આ પરંપરા, આ શ્રદ્ધા, આ વિશ્ચાસ.....સદીઓથી કઈ રીતે ચાલ્યાં આવતાં હશે? સાચે જ સતી અનસૂયા અને સપ્તર્ષિ માંનાં એક અત્રિ મુનિ અહીં રહ્યાં હશે?

પૌરાણિક કથાઓ ગજબની હોય છે, આપણાં વાર્તા રસને પોષવાની સાથે સાથે આપણી કલ્પનાઓને અનેક દિશામાં મુકત મને વિહરવા, આપણી વિવેકબુદ્ધિથી મૂલવવા, આપણી અંદર અમુક ભાવનાઓ કે મૂલ્યોનું સિંચન કરવાનું એમ અનેક આયામોથી અસર કરતી હોય છે અને તે પણ આપણી જાણ બહાર! અત્રિ મુનિનાં કઠોર તપ થી તેમને ચંદ્ર, દુર્વાસા અને દત્તાત્રેય એ ત્રણ દિકરા અને દિકરી અત્રિયી એમ ચાર સંતાનો પ્રાપ્ત થયાં કે ઉપર કહી એ વાર્તા પ્રમાણે દત્તાત્રેય. રામાયણમાં આવે તે અત્રિ મુનિ અને મહાભારત કાળનાં અત્રિ, ચોક્કસ અલગ જ હોવાનાં. ઋગ્વેદની અનેક ઋચાઓમાં જેમનો ઉલ્લેખ છે, સપ્તર્ષિમાં જે બિરાજે છે, તે અહીં આ જગ્યા એ ક્યારેક હોય કે ના હોય...પુરાવા નથી મળવાનાં, આ શ્રદ્ધાની વાતો છે. પણ એનું મહત્વ હંમેશાં રહેશે જ્યાં સુધી ભારત છે, ભારતીય સંસ્કૃતિ છે.



ચાર - સાડા ચાર થવા આવ્યાં છે. અહીં રોકાવાનું તો કાંઈ વિચાર્યુ નહોતું. ઉતરી જઈએ કે અત્રિ મુનિની ગુફા સુધી જઈ આવીએ. કે સવારે ગુફા પર જઈએ. ગુફા દોઢ બે કિમી પર જ છે પણ પછી અહીં રોકાવું પડે. ચલો, રોકાય જઈએ. મેઘ ભાઈ રોકાવા માટે થોડી આનાકાની કરે છે. પણ પછી તરત જ માની પણ જાય છે.

ફટાફટ પગ ઉપાડીએ છે ગુફા તરફ. ઉતરાણ વધુ છે એટલે ઝડપથી જવાય છે પણ સમય તો થયો જ છે. એક જણે કહ્યું અહીં દિપડા તો નહીં પણ રીંછનો ઉપદ્રવ રહે છે. બે રસ્તા ફંટાય છે...એક અત્રિ મુનિ અને બીજો રુદ્રનાથ તરફ. નિખીલની ગયા વર્ષથી ઈચ્છા છે રુદ્રનાથની પણ આ સિઝનમાં નથી જઈ શકાતું, ઉનાળે આવવું પડશે. સાડાપાંચ- છએ એક ગુફા પાસે પહોંચ્યા. દરવાજા બંધ હતાં. કહે છે કોઈ સાધુ ચૌદેક વર્ષથી ત્યાં રહે છે અને તપસ્યા કરી રહ્યાં છે. પાસે એક ઝરણું છે અને લાકડાંનો નાનકડો પુલ ક્રોસ કરી સામે જતાં જ એક ખાસ્સી ઊંચાઈ થી પડતો ધોધ! ૭૦ મીટરની ઊંચાઈ અને પહાડોની વચ્ચેથી સીધો નીચે ખાબકતો એ ધોધ અને તેની સામે અધકચરાં ખડકનાં પગથિયાં પર સાંકળ પકડીને પછી ઘૂંટણિયા ભરીને ગુફામાં જવાનો રસ્તો. સહેજ અઘરું છે. ધોધની પ્રદક્ષિણા રહેવા દીધી. થોડો માહિતી નો અભાવ કારણ અમે જ્યાં હતાં ત્યાંથી ધોધની પ્રદક્ષિણા ની પગથી વિશે કોઈ અંદાજ નહોતો આવી રહ્યો. થોડો મારો ડર પણ. અને અંધારુ ઝડપથી ઊતરી રહ્યું હતું. એ પુણ્ય કે સાહસ જે  હતું તે ભાથું બાંધવું બાકી રાખ્યું. સૂર્ય સાવ જ અસ્ત થઈ ચૂક્યો હતો. જંગલમાં અંધારાં માંથી પસાર થતાં એક અનોખો રોમાંચ થઈ રહ્યો હતો. પણ પાછાં ફરતાં ચડાણો મને હંફાવી રહ્યાં હતાં. ટોર્ચ અને ફોનનાં અજવાળે પહોંચી ગયાં.



ઠંડી કડાકાબંધ હતી. જ્યાં રોકાવાનું હતું એ મકાનની પાસે જ એ માણસે એક કુટિર જેવું બનાવ્યું છે. કોઈ એક દેવતાની સ્થાપના કરી છે, ચૂલો પણ ત્યાં જ છે. તાપવા માટે ચૂલાની ફરતે અમને ગોઠવાય જવા કહે છે. બીજાં પણ બે ચાર માણસો છે.

થોડી ઘણી વાતો કરીને બહાર નીકળીએ છે તો આકાશ જોઈને અમારો આનંદ માંતો નથી. આટલું સાફ આકાશ મળવું જ કેટલું દુર્લભ છે.

અમારી રુમ ઉપર છે અને બહાર ગેલેરી જેવું બને છે. બહાર રહેવાનું અઘરું થઈ ગયું છે પણ આશનાને આજે તો આકાશદર્શન કરવું છે. એનાં કેમેરાની મર્યાદા એને નડે છે આકાશની ફોટોગ્રાફી કરવામાં. એક બે ખરતાં તારા દેખાય છે. એક તો એકદમ સાફ અને પ્રમાણમાં મોટાં meteor shower ને જોઈ રહીએ છે. સામે ઓરાયન ધીમે ધીમે ઉપર આવી રહ્યો છે. અહીં બેસીને થોડોક જ ભાગ જોઈ શકાય છે પણ ખુલ્લામાં જઈને આકાશદર્શન કરવું શક્ય નથી લાગતું. ઠંડીએ એનું જોર બતાવ્યું અને સાથે નિંદ્રા એ પણ.

ચોપતા

એક ખૂબસૂરત સવાર અનસૂયાજીમાં.

નરેન્દ્ર ભાઈનાં ચૂલા કમ તાપણાં ફરતે ગોઠવાઈ ને ઠંડીને મહાત કરવાની કોશિષ કરી રહ્યાં છીએ. કોઈ એક દીદી આવે છે, દૂધ ગરમ કરવા. ગુજરાતથી આવેલાં યાત્રીઓ છીએ જાણી તેઓ ગુજરાતીમાં વાત શરૂ કરે છે. ગુજરાતથી છે અને ત્રણ ચાર વર્ષથી ત્યાં જ રહે છે. આટલી શાંત અને સુંદર જગ્યાએ રહેવું, તપસ્યા કરવી, વાહ.

આખું ને આખું વાતાવરણ શાંતિ અને કુદરતનાં સહજ નીપજતાં સંગીતનું અદભૂત ગઠબંધી કરતું અમારી આસપાસ, અંદર, સર્વત્ર ફેલાયેલ પડ્યું છે. અને અમે ઉતરવાનું શરૂ કરીએ છે. ફરી પાછાં એ સુંદર વળાંકો અને વનરાજી વાળો રસ્તો. આખાંય જંગલમાં એક એક નાની નાની વસ્તુમાં રસ પડતો હોય અને આટલો સરસ સમય હોય આશના ને મજા પડે છે. તે મોસ ભેગી કરે છે. મેઘ પોતાની મસ્તીમાં અને વાતોમાં.



પીઠ પર બાંધેલ ટોપલામાં પાંદડાં ભર્યા છે અને એક પચાસેકની સ્ત્રી લંગડાતા ધીરે પગલે ઉતરાણ કરી રહેલ છે. એને ઘણી તકલીફ થતી લાગે છે. થાય છે, લાવ બને તો એનો ટોપલો ઊંચકી લઉ. અમે પંખીઓ જોતાં, ફોટા પાડતાં એમની નજીક પહોંચીએ છે ત્યારે એ જરાક આરામ લેવાં બેઠેલ છે. પાસે જઈને જોયું તો ટોપલો આખો પાંદડાથી ભરેલ છે અને એ થોડાં ભીનાં છે. એનું નામ દેવેશ્ચરી છે અને પોતાનાં ઢોર ને ગરમાટો રહે તે માટે પાથરવા માટે પાંદડાં ઊંચકીને લઈ જાય છે. એની સાથે વાતો એ વળગું છું. એનો ટોપલો ઊંચકવા નો પ્રયાસ કરું છું તો સમજાય છે કે કેટલું અઘરું આ કામ છે. ભીનાં પાનનું ખાસ્સું વજન છે. બે ત્રણ દિવસે એક વખત આવી રીતે પાન લેવાં આવવું પડે છે. વાતો કરીએ છે ત્યાં બીજી બે સ્ત્રીઓ પણ આવી પહોંચે છે, એમણે પીઠ પર લાકડાં બાંધેલાં છે. કહે છે, ભીનાં પાન નાં ટોપલાં કરતાં આ બહુ વજનદાર હોય છે. પહાડો પરથી પીઠ પર લાકડાં લાવતાં પીઠ છોલાય નહીં એ માટે વચ્ચે પાંદડાં મૂક્યાં છે. એ બંને થોડી વાતો કરી ઝડપથી ઊતરી જાય છે. દેવેશ્ચરીને બે વર્ષ પહેલાં લાકડાં વીણતાં પગ લપસી ગયેલો અને ફ્રેકચર થયેલું. ઠંડીમાં તકલીફ વધી ગયેલી પણ કામ તો કરવું જ પડે. ગામ, ઢોર, ખેતી, વાંદરા ઓનો ઉપદ્રવ વગેરે ઘણી વાતો કરીને સિરોલી આવતાં એ એનાં ઘર તરફ વળે છે.



હજુ તો બળતણ લઈને આવતાં મળી હતી તેમાંની એક સ્ત્રી બે વાછરડાંને લઈને ચરાવવા જઈ રહી હતી. અહીંની સ્ત્રીઓ ખૂબ મહેનતું અને આપણાં માટે અઘરાં કહેવાય, તેવાં ઘણાં કામ એમનાં રોજિંદા જીવનનો ભાગ. ઘર, ખેતી ઉપરાંત બાળકોનો ઉછેર એમ ઘણી જવાબદારીઓ આ સ્ત્રીઓ ભજવતી હોય છે.

અમે ગોપેશ્વર પહોંચ્યા ત્યારે ચોપતાનો રસ્તો બંધ હતો અને જોશીમઠનો એ જ દિવસે ચાલુ થયેલો. ગોપેશ્વર થી નીકળ્યા ત્યારે પણ રસ્તો બંધ જ હતો. પેલાં મેગી વાળાએ કીધેલું જેસીબી ગયું છે, પણ રસ્તો ચાલુ થયો કે નહીં એ વિશે હા અને ના બંને જવાબ મળી રહ્યાં હતાં. શેર ગાડીઓ વાળા પણ ના પાડી રહ્યાં હતાં એટલે થોડી શંકા હતી.

બનિયાકૂંડથી ચોપતાનો રસ્તો પણ હજી હમણાં જ ખૂલ્યો હતો. ત્યાં સ્નો કટર મશીન વાપરી શકાય છે એટલે એ બાજુનો રસ્તો ખૂલી જાય પણ ગોપેશ્વરથી ચોપતા જતાં કેદારનાથ મસ્ક ડીયર સેન્કચ્યૂરી આવે એટલે મશીન વાપરવાની પરમિશન મળતી નથી. એટલે આ તરફનો રસ્તો ખૂલતાં વાર લાગે.

જે હશે તે જોયું જશે એમ વિચારી આગળ વધ્યાં. આખો રસ્તે કોઈ ગાડી ન મળે કે જેમને આગળ વિશે પૂછી શકીએ.

પણ આ રસ્તો!.... તેનું વર્ણન કરવા માટે શબ્દો ઓછાં પડે. ઊંચા દુર્ગમ પહાડો એવી તો મનોરમ્ય રીતે પથરાયેલાં છે કે તમારો લાલચુ માનવ સ્વભાવ એ બધાંને ગજવે ભરી લેવાં ઈચ્છે. ફોટો, વિડીયો જે લેવાય તે...એ બધાં થી મન ભરાય જાય તો પણ એ પહાડોને જોતાં હરગીઝ નહીં. એમાંય આ વખતે તો બધે બરફ જ બરફ.



આગળ જ જેસીબી મળ્યું અને ત્યારે ખાતરીથી ખબર પડી કે રસ્તો ખુલ્લો છે. અહીં સાંકડાં રસ્તા પર સામેથી ગાડી આવે ત્યારે સહેજ ટેન્શન થાય, ખાસ કરીને આવાં બરફમાં. સામેથી એક ગાડી આવી એમાં પ્રવાસી કપલ બિલીમોરાનું હતું. તેમણે કહ્યું રસ્તો તો ખૂલી ગયો છે પણ ટ્રેક બંધ છે.

ચોપતા પહોંચતાં સુધી તો ઠંડીએ એનો પરચો બતાવવા માંડયો હતો. નિખીલ અને મેઘ રૂમ શોધવા ગયાં ત્યાં સુધી ગાડીમાં જ રહી. જેમ તેમ રૂમમાં પહોંચીને ગોદડાં માં ગયાં પછી બહાર નીકળવાની હિંમત નહીં. પણ મારાં ત્રણેની જીદ .....ના, બહાર ચાલ જ. સામે મેં જીદ ના કરી અને જીંદગીનો સૌથી સુંદર સૂર્યાસ્ત. બરફમાં થીજી ગયેલું ચોપતા અને સોનેરી સૂર્ય....



તુંગ નાથ

આપણી નાનકડી, સહજ પણે ઉદભવેલી ઈચ્છાઓ પણ ખાસ્સી તાકાતવર રહેતી હશે. ગયા વર્ષે તુંગ નાથથી નીકળતાં સહજ ઈચ્છા પ્રગટ કરેલી કે આવતાં વર્ષે ફરી આવીશું. અને ગો વિથ ધ ફ્લોને અનુસરતાં અહીં આવી પણ પહોંચ્યા!

હજી બે દિવસ પહેલાં સુધી અહીં રસ્તા બંધ હતાં, ટ્રેક પર પણ કદાચ આજ કાલમાં જ કોઈ કોઈ લોકો જતાં થયાં હતાં. વાતાવરણ ખરાબ રહેવાની પૂરેપૂરી શકયતા હતી, કદાચ ટ્રેક પૂરો ના પણ થઈ શકે. સવારે મોડે સુધી આકાશ ઘેરાયેલું હતું. સવારે વહેલાં ટ્રેક શરૂ કરવાની મનસા સાથે સૂતેલાં અમે સવારે એટલાં જલ્દી તૈયાર થઈ ન શક્યા. આકાશ ઘેરાયેલું હતું. હોટલ વાળાએ એક બાલટી ગરમ પાણી આપવાનું કીધેલું પણ એનાં કાંઈ ઠેકાણાં નહીં. ડબલ ઈન્સયૂલેટેડ રૂમ હોવાનો થોડો ફાયદો હતો પણ ઠરેલાં પાણીમાં હાથ નાખવો પણ અઘરું કામ.


ગરમ નાસ્તો કરવાનો સમય બગાડ્યા વગર અમારી પાસે જે હતું એમાં જ ચલાવ્યું. શૂઝ, લાકડીઓ ભાડે આપનારાં પાસે બધું એમનું એમ પડ્યું હતું. બહુ થોડાં માણસો આજે ટ્રેક માટે ગયા હશે એમ લાગતું હતું.

અમે ચાલવાનું શરૂ કર્યું. વાદળો ઘેરાયેલા જ હતાં. શું થશે એ બિલકુલ કહી શકાય એમ નહોતું. સ્નો ફોલ પણ થઈ શકે.

નિખીલ આગળ છે અને અચાનક એક પક્ષી ઊડે છે. 'એ.....મોનલ' આશનાનાં અવાજમાં એકસાઈટમેન્ટ નો પાર નથી. ક્યાંથી હોય? ગયા વર્ષે એક ઝલક બતાવીને ગાયબ થયેલ મોનલ! અને આ વખતે મોનલ એને સંપૂર્ણ સંતોષ થાય એટલો સમય આપે છે. અમે કહેતાં હોઈ છે કે, આવું કોઈ નવું પક્ષી મળે તો પક્ષી ઊડે નહીં ત્યાં સુધી આશના ખસે નહીં. પણ અહીં ખાસ્સો અડધો કલાકથી ય વધુ સમય મોનલ માટે કાઢ્યો પણ એ તો ત્યાં જ. આ વખતે ચંદ્રશીલા પણ જવું હતું એને એટલે મોનલને મૂકીને આગળ વધવું પડ્યું.



ઉપર જતાં સ્નો ફોલ શરૂ થયો. વાતાવરણ એકદમ ઠંડુંગાર. અમે ચાલતાં રહ્યાં. આખાં રસ્તે ભાગ્યે જ કોઈ દેખાતું હતું.પણ જેમ જેમ ઉપર જતાં ગયા, સહેજ તડકો આવવો શરૂ થયો. આરામથી ચડતાં, મોનલ ને સંપૂર્ણ ન્યાય આપતાં અમે લગભગ ચારેક કલાકે મંદિર સુધી પહોંચ્યા.

તુંગ નાથ, ૩૬૮૦ મીટરની ઊંચાઈ, પાંચ કેદારમાં એક, સૌથી ઊંચું શિવ મંદિર...ગઈ વખતે પણ આ મંદિર, રસ્તો, પ્રદેશ જોઈ જે સવાલ થયેલો એ કે - આવી જગ્યાએ જે અલૌકિક, અદભૂત, સુંદરતમ, સમજાવી કે વર્ણાવી ન શકાય તેવી જે અનૂભૂતિ થાય છે તે જ શિવ?.



મંદિરનાં કમાડ તો બંધ છે, શિવજી શિયાળો ગાળવા નીચે મૂકુમઠ ગયાં છે. શિવ... કેવું વ્યક્તિત્વ!, એમને વળી ઠંડી અને શિયાળો શું? પણ માણસ પોતે આવી ઠંડીમાં ઠુંઠવાઈ જાય એટલે શિવજીને નીચે લઈ આવે‌. માણસનાં સગવડ સાચવીને ધર્મ જાળવવાનાં સ્વભાવ પર મેઘ ભાઈને નવાઈ સાથે  સવાલો થાય છે.

મંદિર પાસે જ સુરતનું એક કપલ મળે છે, થેપલાં ભાખરી ખાઈએ છે. ચંદ્ર શીલા જવા માટે થોડું મોડું પણ છે અને સહેજ તડકો નીકળ્યો પણ  વાતાવરણનું કાંઈ કહેવાય એમ નથી. ચંદ્ર શીલા કદાચ ન થઈ શકે અને અમે નીચે ઉતરવાનું શરૂ કરીએ છે.



ગઈકાલે સૂર્યાસ્ત પહેલાં બરફની ભરપૂર મજા લીધી છે પણ અહીં બરફની વચ્ચે મેઘભાઈ રહી નથી શકતાં. બરફમાં ગબડવા, લપસવા, આળોટવાનું જે થઈ શકે તે બધું જ કરી લેવું છે. પેંગ્વીનની માફક પેટે ધસડાઈને સરકવામાં જબરી મજા પડે છે. અને એક સંતોષ અને આનંદ સાથે ટ્રેક પૂરો થાય છે.

સામાન પેક જ છે, આગળ દેવરિયા તાલનો ટ્રેક કરીએ કે નહીં એ નક્કી નથી. અને ચોપતાને ફરી એક વખત અલવિદા કહી નીચે ઉતરવાનું શરૂ કરીએ છે. મૂકુમઠ બેન્ડ  છોડી  ઉખીમઠ તરફનાં રસ્તે આગળ વધીએ છે. આ આખો પ્રદેશ પણ એટલો જ સુંદર છે. સરી ગામથી ચારેક કિમી દૂર મેઈન રોડ પર એક હોટલ મળી જાય છે. પાછળ જ એક નદી છે...આકાશ કામિની!



દેવરિયા તાલ કેન્સલ કરીએ છે. સવારે બર્ડીગ અને બ્રેકફાસ્ટ પછી આગળ વધીએ છે. એક ઘરડાં કપલને લિફ્ટ આપીએ છે. એ લોકો કઈ ભાષા બોલે છે એ ખબર નથી પડતી પણ એમને ઉખીમઠ જવું છે. તેમની સાથે અમે પણ ઉખીમઠ પહોંચી જઈએ છે.


મંદિરમાં અમારાં સિવાય મહારાજ છે અને બીજાં ચાર પાંચ લોકલ લોકો બેઠાં છે. મહારાજ શાંતિથી અમને ઓમકારેશ્વર મહાદેવની પૂજા કરાવે છે. કેદારનાથની ડોલી પણ અહીં જ છે. એમનું આ શિયાળુ સ્થાન. ઉખીમઠ નામ જેનાં પરથી પડ્યું છે તે ઉષા એ બાણાસુરની દિકરી અને કૃષ્ણનાં પૌત્ર અનિરુદ્ધનો લગ્નમંડપ ઉપરાંત પાંચ કેદારનું મંદિર છે.

નદીની સાથે સાથે એનાં મનોહર સ્વરૂપ ને માણતાં અમે આગળ વધીએ છે. અગત્સયમુનિ, ગુપ્તકાશી, રુદ્રપ્રયાગ, દેવપ્રયાગ થઈને મોડેથી ઋષિકેશ પહોંચીએ છે. ચારધામ યોજનામાં રસ્તા પહોળા થઇ ગયાં છે...પણ કામ હજુ ચાલુ જ છે.  અમુક જગ્યાએ કામ પત્યું હોય એમ પણ લાગે છે.

સવારે રાજાજી નેશનલ પાર્ક સફારી માટે મોડાં છીએ. નદીની સામે જંગલ છે. ત્યાં જતાં ખબર પડી નીલકંઠેશ્વર મહાદેવનાં ટ્રેક વિશે. આરક્ષિત જંગલ છે, ઠેર ઠેર હાથી અને ગુલદાર પ્રભાવિત ક્ષેત્રનાં બોર્ડ મારેલાં છે. હાથીઓનો પ્રદેશ છે અને ઘણાં યાત્રિકો પર હાથીએ હુમલા કર્યા છે એટલે સાંજે છ પછી પગપાળા જવા પર પ્રતિબંધ છે. થોડે સુધી કોઈ દેખાતું નથી. પછી એક માણસ મળે છે, જે રોજ કામ માટે મંદિરે જાય છે. કહે છે મંદિર તો દસ કિમી દૂર છે. ફરીને જાઓ તો રોડથી પણ પહોંચી શકો. અમને મંદિર નહીં રસ્તામાં જ રસ હતો. આખો ટ્રેક તો નહીં કરી શકાય, થોડે સુધી જઈએ. મૌની બાબાની ગુફા સુધી જઈએ છે. એક જટાધારી શિષ્ય છે, બહારથી જ ગુફા જોઈ શકાય અંદર જવા પર પ્રતિબંધ છે બાબાનો. ત્યાં પાંચ-છ સ્ત્રીઓ બેઠી છે. દાતરડાં છે હાથમાં અને કામ પર જવાનું છે પણ વાતો કરવાની મજા આવે છે. આવી સહજતાથી મળી જતાં માનવીઓ થોડી પળોમાં પણ આનંદ આપી જાય છે.



ઋષિકેશ છોડી બે અઢી વાગ્યે દહેરાદૂન પહોંચીએ છે. નિખીલનાં ઘણાં મિત્રો છે. એક મિત્રનાં પિતાજી આગ્રહ કરીને રોકે છે અને પૌંટાસાહેબને બદલે અહીં જ રાત્રિવિશ્રામ.

રાખીગઢી

દિલ્હીમાં ધમાલનું કારણ પણ મૂળે રખડવાનું અને જુદો રુટ લેવાનો આશય એટલે જે રસ્તે ગયેલાં દિલ્હી થઈને તે લેવાને બદલે પૌંટા સાહિબ થઈ ને હરિયાણા - રાજસ્થાન થઈ પાછા ફરવું એમ નક્કી થયું. કુરુક્ષેત્ર, રાખીગઢી, ઝજ્જર...ચેક કર્યું. કુરુક્ષેત્ર બાકી રાખ્યું, જે મિત્ર અમને ખાસ આગ્રહ કરે છે તે કલકતા હતાં. કુરુક્ષેત્ર તો એમની સાથે જ મજા આવશે. ઝજ્જર પણ થોડું દૂર પડતું હતું.

સવારે દહેરાદૂનમાં ફોરેસ્ટ રિસર્ચ ઈન્સટીટ્યૂટની ફરી એક વખત મુલાકાત લીધી...ખાસ નિખીલ અને મેઘ માટે, એ લોકોને બાકી હતું. દહેરાદૂન જાઓ તો આ મસ્ટ વિઝિટ પ્લેસ.



દહેરાદૂનથી પૌંટાસાહિબ એટલે ઉતરાખંડ અને હિમાચલ પ્રદેશની સરહદે આવેલ શીખ ધર્મનું મહત્વનું સ્થાનક. પૌંટા એટલે પાવ - ટીકા નું અપભ્રંશ. શીખ ધર્મનાં દસમાં ગુરુ ગોવિંદ સિંહ ઘણો સમય અહીં રહેલાં. યમુના નદીનાં કિનારે આવેલું સ્થળ... ગુરુદ્વારા સરસ, બાકી ગુરુદ્વારાનાં પરિસર સિવાય ઠીકઠાક. હવે તો ઈન્ડસ્ટ્રીઝ ઘણી છે અહીં. આશના સાથે ગયા વર્ષે ગયેલ પણ ખાસ મારે મેઘને લઈ જવો હતો અહીં. કરતારપુર સાહેબ વખતે ચર્ચાઓ થયેલી શીખ ધર્મ વિશે પણ એણે કોઈ ગુરુદ્વારા જોયું નહોતું. માથાં પર રૂમાલ બાંધી, હાથ પગ ધોઈ, ગુરુગ્રંથ સાહેબ સમક્ષ માથું ટેકવવું, તેની પ્રદક્ષિણા કરી, થોડો સમય ત્યાં ધ્યાન કરતાં વાહે ગુરુની શબદવાણી સાંભળવી...આ અનુભવ આપવો હતો. શરૂઆતનાં જરાક ખચકાટ પછી પૂરાં આદરથી એણે મારી સાથે આ બધું જ કર્યું!!! બીજો અનુભવ લંગરનો. હાઈજીનનાં આગ્રહીએ હોલમાં પ્રવેશતાં જ નાક ચડાવ્યું. મમ્મી, સાચે ખાવું પડશે? આ રીતે પંગતમાં બેસીને ખાધું છે વચ્છરાજ દાદાનાં મંદિરમાં પણ સ્વચ્છતાનાં આગ્રહીને ગમે તો નહીં જ.

પૌંટા છોડ્યા પછી કાલિસરી નેશનલ પાર્કમાં થઈને પસાર થતાં... હિમાલયનાં ઓર એક અનુભવનો અંત. જેવું હિમાચલ છોડી હરિયાણામાં પ્રવેશ કરો એટલે કોઈ સાઈન બોર્ડ વગર પણ ખબર પડી જાય. એકદમ સપાટ મેદાની પ્રદેશ, પહાડો કે નાની પહાડી પણ જોવાં ન મળે. મોટાં મોટાં ખેતરો અને એ પણ મોટેભાગે રાઈનાં. લીલાંછમ ખેતરો અને પીળાં પીળાં ફૂલ. શેરડીની કાપણી શરૂ હોય એમ લાગ્યું.



અંધારુ થવા આવ્યું હતું. ટોલનાકા પર રાખીગઢી વિશે પૂછ્યું, કોઈને ખબર નહોતી. સમય એટલો હતો કે રાખીગઢી પહોંચી જઈએ, પણ ત્યાં કોઈ રહેવાની સગવડ હશે કે નહીં એ ખબર નહીં. અને રાખીગઢી તો જવું જ પડે, ભલે ત્યાં કાંઈ જ ના હોય એવી આશનાની સ્પષ્ટ વાત.

પહેલી વખત લોથલની મુલાકાત લીધેલી આશના ત્યારે સાતેક વર્ષની. કદાચ વધુ સમજ પણ નહીં પડી હોય પણ એને એમાં રસ તો જરૂર પડેલો. સાઈટ અને મ્યુઝિયમની મુલાકાત પછી અમુક પુસ્તકો વાંચ્યા. પોતાને મળેલ માહિતીનાં આધારે સિંધુ સંસ્કૃતિની કલ્પનાનાં આધારે ચિત્રો પણ બનાવેલાં. એ પછી જ્યારે પણ લોથલની નજીકથી પણ નીકળવાનું થાય એટલે મુલાકાત લેવાની એટલે લેવાની. આજુબાજુ કશે હોટેલનો મેળ ના પડ્યો હોઈ ગાડી લોથલ સાઈટની બહાર પાર્ક કરી ત્યાં જ ગાડીમાં જ રાત ગુજારીને પણ લોથલ સાઈટ/મ્યુઝિયમની મુલાકાત કરી છે. એટલે રાખીગઢી જવું મહત્વનું હતું.



રાખીગઢી વિશે કોઈ બોર્ડ દેખાતું નહોતું કે હાઈવે પર હવે કોઈ માણસ પણ દેખાતું નહોતું. ઠંડી વધારે હોય એટલે ઉતરનાં રાજ્યોમાં લોકો જલ્દી જ ઘરભેગા થતાં હોય. ગૂગલ ઝીંદાબાદ... બરવાળા થી ૨૪-૨૫ કિમી અંદર જવાનું હતું. રાત રોકાવા માટે બરવાળામાં જ કાંઈ શોધવું પડે એમ હતું. રસ્તા સાવ ભેંકાર દેખાતાં હતાં, હોટલ જેવું કાંઈ દેખાતું નહોતું. નાનકડાં અંતરિયાળ ગામડાં જેવી જગ્યાએ હોટલ મળશે એવી આશા પણ પાંગળી જ હતી. એક નાનકડી મેડિકલ શોપ ખુલ્લી મળી, એક ધર્મશાળા વિશે જાણ્યું. ત્યાં મેળ પડી ગયો બાકી લાગતું હતું ગાડીમાં જ રહેવું પડશે.

રાખીગઢી - જાણકારોનાં કહેવા પ્રમાણે સિંધુ સંસ્કૃતિની સૌથી મોટી સાઈટ! મોહેંજો દડો કરતાં ઓલમોસ્ટ ડબલ સાઈઝ! ટોટલ ૫૫૦ હેક્ટરમાં ફેલાયેલ. ૬૫૦૦ વર્ષ એટલેકે હરપ્પન કાળ પહેલાંનાં અવશેષો અહીં થી મળ્યા છે. ઉપરાંત શરુઆતનાં તેમજ જ્યારે સિંધુ સંસ્કૃતિ પૂર્ણ સ્વરૂપે વિકસેલી હતી એ સમયનાં સંખ્યાબંધ અવશેષો અહીંથી મળેલાં છે. સુવ્યવસ્થિત નગરવ્યવસ્થા, ગટર વ્યવસ્થા, સેમી પ્રિસીયસ પથ્થરોનું મોટે પાયે કામકાજ, ધાતુનાં ઓજારો, માટીનાં વાસણો-રમકડાં, શંખ-છીપ-મોતી નાં આભૂષણો, આર્ટિફેકટસ, મૂર્તિઓ, પિત્તળનાં વાસણ પર સોના ચાંદી થી સુશોભન! અહીંથી મળેલ કંકાલ અમે દિલ્હી નાં નેશનલ મ્યુઝિયમમાં જોયેલું. એટલે રાખીગઢી ખરેખર ખાસ હતું, ત્યાં કાંઈ જ જોવાં ન મળે તો પણ....જવું જ પડે.



સવારે ધર્મશાળાથી નીકળી બહાર આવ્યાં તો રાત્રે જે રસ્તો ભેંકાર લાગતો હતો એ રસ્તાની બંને સાઈડ સંખ્યાબંધ દુકાનો અને એ પણ ખાસ્સે લાંબે સુધી. એ પછી હર્યાભર્યા ખેતરો અને નાનાં નાનાં ગામડાંઓ માંથી પસાર થતાં રાખીગઢી પહોંચ્યા તો લાગ્યું અલગ જ દુનિયામાં આવી ચડ્યા કે શું?



નાનકડું તળાવ, કિનારે એક ખંડેર જેવું શિવાલય, આસપાસ રખડતાં ઢોર, ગાડુ દોડાવી જતી છોકરી, શાલ-ટોપીમાં લપેટાઈ ને તાપણે કે કૂંડાળું કરીને બેઠેલા પુરુષો, સવારનાં કામકાજ- છાણાં ટીપતી સ્રીઓ. ખબર ના પડી કે ક્યાં થી જવું, બધાં રસ્તો બતાવતાં ગયાં. ઉકરડા જેવી જગ્યાએ થી પસાર થતાં રાખીગઢીની એ સાઈટ પર પહોંચ્યા. લોખંડનું ફેન્સીંગ કરેલું છે પણ આખી સાઈટ ભગવાન ભરોસે છે. અહીં કોઈપણ નુકશાન કરનારને ૫૦,૦૦૦ રૂપિયા નો દંડ થઈ શકે છે એવું બોર્ડ પર લખેલું છે. ઠેર-ઠેર છાણાં થાપેલાં છે, તૂટેલાં માટલાંનાં ઠીકરાં પગમાં અટવાય છે. એક ઘોડાએ આવીને જોરદાર દોટ મૂકી‌. થોડાં ઘેટાં ચરી રહ્યાં છે. એક માણસ આવીને હરિયાણવી ભાષામાં વાતો કરે છે, કહે છે કે અહીં તો કાંઈ નથી. જે હતું એ ખોદીને પાછી માટી પૂરી દીધી છે. કંકાલ મીલા થા, વો દિલ્લી લે ગયે‌‌. ફરી ફરીને પૂછીએ છે....કુછ તો હોગા. ના, અડે  કુછ નહીં. બોર્ડ પર સાત ટીલાં વિશે લખેલું છે એનાં વિશે પૂછ્યું પણ કાંઈ વધુ જાણવા ન મળ્યું. બીજો એક માણસ આવ્યો. એણે બહુ ઉત્સાહથી કહ્યું, હું મહિપાલ અહીં નો ગાઈડ છું. ચલો, મેં બતાતાં હૂં. પણ એની પાસે પણ કાંઈ બતાવવા જેવું હતું નહીં.



સાઈટની પાસે જ એક મ્યુઝિયમ બની રહ્યું છે. મ્યુઝિયમ ઉપરાંત સ્કોલર્સ માટે રિસર્ચ સેન્ટર અને હોસ્ટેલ પણ. કહે છે, માર્ચ સુધી તૈયાર થઈ જશે‌.



ડેક્કન કૉલેજનાં વસંત શિન્દે જેમણે અહીં ઘણું સંશોધન કર્યુ છે એ જો એમ કહેતાં હોય કે "What Giza is to Egypt, and Athens is to Greece, Haryana should be to India." તો આ સ્થળ ની આવી દુર્દશા ના હોવી જોઈએ.



રાખીગઢીથી નીકળી ફરી પાછા બરવાળા અને ત્યાંથી હિસર થઈ ને રાજસ્થાન. જેવું હરિયાણા છોડ્યું કે હરિયાળી ઓછી થવા માંડી, લીલાંછમ ખેતરો અદ્રશ્ય અને સૂકી ભઠ્ઠ ધરા. જોધપુરનાં રસ્તે આગળ વધતાં ઘણો પ્રદેશ સાવ ઉજ્જડ. રાજસ્થાનનો સૂર્યાસ્ત કાંઈક જુદો જ કળાયો. જોધપુરમાં પહોંચતાં જ પહેલાં ખાવાનું શોધવું પડે એવી હાલત. કડી કચોરી...પહેલી જ વાર નામ સાંભળ્યું. સહેજ ખટાશ પડતી મોટી કચોરી, અમારાં ટેસ્ટબડને માફક ન આવી પણ કોઈ છૂટકો નહોતો. હજુ હોટલ શોધવી બાકી હતી. ક્રિસમસની અસર હોટલ મેળવવામાં દેખાય પણ એક સરસ ગેસ્ટ હાઉસ મળી ગયું.

સવારે ઊઠીને જોધપુરનાં જોવાલાયક સ્થળો વિશે વાંચતાં બહુ મન થયું ચાંદ બાવલી અને મહેરાનગઢ ખાસ. હવે જલ્દી ઘરે પણ પહોંચવું હતું અને આ લાલચ! થર્મલ પહેરવાં હવે જરૂરી નહોતાં. નાસ્તો પણ કરવો બાકી રાખી પહેલાં સર્ચ આપ્યું ચાંદ બાવલી. ચેક આઉટ કરીને જ નીકળી ગયા, ફટાફટ એટલીસ્ટ ચાંદ બાવલી જોઈને નીકળી જઈએ. ચારેક કિમી પર જ હતી આ વાવ. ગાડી તો લીધી, કાલે હોટલ શોધતાં શોધતાં આ સાવ સાંકડી ગલી માં આવેલાં અને રિર્ટન લેવી પડેલી પણ આગળ રસ્તો હશે એમ વિચારી અંદર લીધી પણ આવતાં જતાં દરેક સલાહ આપતાં ગયાં કે આગળ જશો તો ફસાય જશો એટલે પાછાં વળવું જ પડયું 😔. ચાલો, ફરી ક્યારેક. જોધપુર નાં ફેમસ કચોરી, સમોસા, મિર્ચી વડાં ટ્રાય કર્યા. ઠીક, બહુ કાંઈ મજા ન આવી.

જોધપુરથી નિકળી પાલનપુર, મહેસાણા થઈ મારાં ગામ કડી પહોંચ્યા. રાત ગામમાં ગાળી, સવારે ફરી પાછાં સુરત. સદીનું છેલ્લું સૂર્યગ્રહણ રસ્તે જ જોયું.

પંદર દિવસની સફર સમાપ્ત, પણ એનાં ઉઠેલાં વમળો લાંબો સમય રહેશે.




No comments:

Post a Comment