Tuesday, February 18, 2020

માઉન્ટ આબુમાં દસ દિવસ

માઉન્ટ આબુ

બચ્ચાં લોગ રોક કલાઈમ્બિંગ કોર્સમાં હતાં એટલે દસ દિવસ આબુમાં રહેવાનો યોગ બની ગયો. આબુ એટલે રાજસ્થાનીઓ અને ખાસ તો ગુજરાતીઓ માટે એક-બે દિવસનું ફરવા માટેનું સ્થળ. ખાવાં-પીવા, પહેરવાં- ઓઢવા, મોજ-મસ્તી અને શોપિંગ એવું ટિપીકલ ટૂરિસ્ટ પ્લેસ. શનિ-રવિની રજાઓ કે વેકેશનમાં સહેલાણીઓથી ઉભરાતું હોય પણ અત્યારે આ સમયે આવી ઠંડીમાં તો ઓફ સિઝન જ. શનિ-રવિમાં સનસેટ પોઈન્ટ જેવી જગ્યાએ થોડી વસ્તી જોવાં મળી એ જ.

ધૂમકેતુની ચૌલુકય વંશની સિરીઝમાં આ આબુ એટલેકે અર્બુદ ગિરીનો ઉલ્લેખ ઘણી વખત આવે. ગુજરાતનાં ઈતિહાસમાં ઘણું મહત્વ ધરાવતાં આ આબુ પર્વત વિશે વાંચ્યું હતું, એકાદ દિવસની ઉડતી મુલાકાત  લીધેલી પણ આ વખતે એક્સપ્લોર કરવાની તક મળી ગઈ. સોલંકી કાળમાં ગુજરાતનાં સામંત રાજ્ય રહેલ અર્બુદ ગિરીએ બહારનાં આક્રમણો ખાળવામાં ગુજરાતને ઘણી મદદ કરી છે‌ અને તેનાં સામંતો પણ મહદઅંશે વફાદાર રહ્યાં હતાં. બહાદુર રાણી નાયિકાદેવીએ આ પહાડો, જંગલોનો મુગલ બાદશાહ શાહબુદ્દીન ઘોરીને હંફાવવામાં બખૂબી ઉપયોગ કર્યો હતો એવો ઉલ્લેખ છે. અર્બુદ ગિરી ઉપરાંત ચંદ્રાવતી નગર અને આસપાસ આવેલ નડૂલ, ભીનમલનો પણ ઉલ્લેખ આખીયે ગ્રંથાવલિમાં અનેક વખત આવે છે. જે જગ્યાઓ વિશે વાંચેલું હોય, તેનાં ઈતિહાસ વિશે સહેજ પણ માહિતી હોય તો એ સ્થળ આમેય બહુ રસપ્રદ બની જાય.


સંસ્કૃતમાં અર+વલી એટલેકે શિખરોની માળા.ગુજરાતથી લઈને લગભગ દિલ્હીનાં દક્ષિણ પ્રદેશ સુધી પથરાયેલી ૬૯૨ કિમી લાંબી અરાવલી કે અરવલ્લીની પર્વતમાળા. હિમાલય ને લગભગ ૫૦ મિલીયન વર્ષ થયાં તો અરવલ્લીને લગભગ ૩૫૦ મિલીયન વર્ષ! થારનાં રણની સરહદ બાંધી પૂર્વની ફળદ્રુપતા જાળવી રાખતી પર્વતમાળા. સાબરમતી, બનાસ, લૂણી, સૂકી વગેરે નદીઓનું ઉદગમ સ્થાન. અનેક ખનીજોથી ભરેલ આ પર્વતમાળા. ઈસવીસન પૂર્વેથી તાંબું અને બીજી ધાતુઓ અહીંથી મળે છે. પર્વતમાળાનો સૌથી વધુ હિસ્સો રાજસ્થાનમાં છે અને એટલે આટલાં માર્બલ, ગ્રેનાઈટ અહીંથી ઉલેચાય છે. હરિયાણા, દિલ્હીમાં તો એટલી હદે ઉત્ખનન થઈ ચૂક્યું છે કે સરકારને ત્યાં જંગલો હોવા ન હોવા વિશે ગડમથલ થાય છે. રિયલ એસ્ટેટ બિઝનેસ પર્વતમાળાને પાંખી બનાવી રહ્યો છે. વરસાદી પાણીને પોતાની અંદર ઝીલીને દિલ્હીથી ગુજરાત સુધીનાં મેદાની પ્રદેશમાં આર્દ્રતા જાળવતી, અનેક પશુપક્ષીઓ - ઝાડપાનથી સમૃધ્ધ પર્વતમાળાની કુદરતી સમતુલા ખોરવાઈ રહી છે. ૩૫૦ મિલીયન વર્ષ જૂની આ પર્વતમાળાએ કેટલી તડકી છાંયડી જોઈ હશે - કહે છે આબુમાં ૧૮૭૨ સુધી સિંહ અને ૧૯૭૦ સુધી વાઘ હતાં!

દેલવાડાનાં દેરાં

આબુ સાથે સૌથી પહેલાં યાદ આવે વિમલ મંત્રી અને દેલવાડાનાં દેરાં. મંત્રી એટલે માત્ર રાજનીતિ જ નહીં પણ ખરાં લડવૈયા અને પરાક્રમી એવું આ તેજસ્વી વ્યક્તિત્વ. પાટણમાં વિમલ મંત્રીનાં વધતાં જતાં પ્રભાવને રોકવા અને અર્બુદ ગિરી - ચંદ્રાવતીનાં સામંતોનાં બળવાને ખાળવા વિમલ મંત્રીને ચંદ્રાવતી મોકલવામાં આવે છે. મંત્રી જૈન ધર્મનાં રંગે રંગાયેલા હતા અને પાછળથી બળવો ખાળવામાં થયેલ હિંસાથી દ્રવિત હતાં. જૈનમુનિની સલાહથી પ્રાયશ્ચિત રૂપે બંધાવેલ પ્રથમ દેરાસર એટલે ૧૧મી સદીમાં બંધાયેલ વિમલ વસાહી. આરસની નગરી ચંદ્રાવતીનું અદભૂત વર્ણન ધૂમકેતુએ કર્યું છે‌ પણ આ દેરાસર નજરે જોતાં અદભૂતથી વધુ એ અલૌકિક લાગે. સ્થાપત્ય અને કળાનો અનન્ય સંગમ. શાંતિ અને પવિત્રતા ની ભાવના સહજ રીતે થઈ આવે એવું મંદિર. ચૌદ વર્ષ સુધી આરસનાં પથ્થરોમાં ટાંકણા મારી મારીને મહેનત અને ઝીણવટથી એકએક કૃતિને કંડારનારા એ કલાકારોને નતમસ્તક પ્રણામ. આરસમાં કોતરાયેલ સ્ત્રીઓ-પુરુષોની અંગભંગિકા હોય કે હાથી-ઘોડાં કે મોર-પોપટ જેવાં પશુ-પક્ષીઓ કે પછી ભૌમિતિક આકારોની સપ્રમાણતા...જે કારીગરી કરી છે તે મનને સ્પર્શ્યા વગર રહેતી નથી.


૧૧મી સદી...કાશ, ટાઈમ મશીન જેવું કાંઈક હોત અને એ ભૂતકાળમાં જઈને એ સમયનાં ગુજરાતને જોઈ શકતાં હોત! વિદ્યા, સંસ્કાર, સમૃધ્ધિથી ઓપતું એ ગુજરાત. એ જ સમય જ્યારે મોઢેરાનું સૂર્યમંદિર અને રાણીની વાવ પણ બન્યાં હતાં.

ચૌલુકય વંશે ગુજરાતને ઘણાં રત્નો આપ્યાં છે તેમાં વસ્તુપાલ-તેજપાલનાં નામ પણ અમર છે. વિમલ વસાહી પછીનાં ચાર દેરાસરો ૧૩મી સદી સુધીમાં બંધાયેલા છે. દરેક દેરાસર એની બાંધણીમાં એકબીજાંથી અલગ છે. ૧૧મી સદીથી શરૂ થયેલ જૈન ધર્મ ધીરે-ધીરે ગુજરાતમાં ફેલાતો ગયો હતો. ૧૩મી સદી પછી મુગલો એમનાં ઘાતકી હુમલાઓ અને કૂટનીતિઓથી મજબૂત થતાં ગયાં અને એક સોનેરી સમયકાળનો અંત.

આપણાં સમૃધ્ધ વારસાની યાદ અપાવતાં આવાં ઐતિહાસિક સ્થળ ઉતાવળે જોઈ નાંખવાની ભૂલ કરવા જેવી નથી. કેમેરા, મોબાઈલ અંદર નથી લઈ જવાતાં એ પણ સારું જ છે.

ગુરુ શિખર...

૧૭૨૨ મીટરની ઊંચાઈએ આવેલ અરવલ્લીનું સૌથી ઊંચું શિખર. ઉપર સુધી રસ્તો પહોંચે છે અને થોડાં જ પગથિયાં ચઢો એટલે શિખર પર.

ગુરુ દત્તાત્રેયનાં નામ પરથી ગુરુ શિખર. ઉત્તરાખંડમાં દત્તાત્રેયનાં જન્મસ્થળ ગણાતાં સતી અનસૂયા અને અત્રિ મુનિની ગુફાની મુલાકાત પછી અહીં ફરી ગુરુ દત્તાત્રેયનાં મંદિરે. કહેવાય છે દત્તાત્રેય ખૂબ નાની ઉંમરે જ દિગમ્બર અવસ્થામાં ઘર છોડીને નીકળી ગયાં હતાં...એ જ સત્યની શોધમાં. ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ઘણાં સ્થળોએ દત્તાત્રેય મંદિરો અને તેની દંતકથાઓ પ્રચલિત છે. ગુજરાતમાં સાધુ-સંતોનાં નિવાસસ્થાન જેવાં ગિરનાર પર તેમનાં પાદચિન્હ છે, કાળા ડુંગર પરનું મંદિર અને નર્મદા કાંઠે પણ એમણે ભ્રમણ, તપ કર્યુ હોવાની માન્યતા છે. ગુરુ શિખર પરનાં મંદિરમાં પણ એમનો અખંડ ધૂણો હજી ધખે છે એવું માનવામાં આવે છે.


અવધૂત ગીતા અને ત્રિપૂરા રહસ્યનાં રચયિતા, આદિનાથ સંપ્રદાયનાં આદિ ગુરુ, બહ્મા-વિષ્ણુ-મહેશ ત્રણે જેમાં દિવ્યમાન છે તેવાં એક દેવ, જેમની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં બધાં જ જીવો એક સમાન હતાં. ગુરુ અને ભગવાન તરીકે જુદાં જુદાં સંપ્રદાયોમાં પૂજાતા દત્તાત્રેયનાં ૨૪ ગુરુ - પૃથ્વી, અગ્નિ, જળ, કબૂતર, મધમાખી, હાથી... વગેરે હોવાં વિશે પણ કથા છે. ચાર કૂતરાં અને ગાય - અનુક્રમે ચાર વેદ અને પૃથ્વીનાં સ્વરૂપ તરીકે દર્શાવવામાં આવે છે.

દંતકથાઓ, ચિન્હો, માન્યતાઓ,ચમત્કારો ખૂબ રસપ્રદ હોય છે પણ એ બધાંમાં ન જઈએ પણ અર્થવવેદમાં જેમનાં ઉપર દત્તાત્રેય ઉપનિષદ રચાયું હોય કે જેમની લખેલી મનાતી અવધૂત ગીતાને સ્વામી વિવેકાનંદ જેવાં મહાપુરુષ પણ ખૂબ ઉંચા સ્થાને ગણતાં હોય તેવાં વ્યક્તિત્વ વિશે આ સ્થળોએ જવાનું ન થયું હોત તો કદાચ અજાણ જ રહી જાત. ક્યારેક વાંચન સ્થળને રસપ્રદ બનાવે છે તો ક્યારેક સ્થળોની મુલાકાત કોઈ નવી વાંચન-જ્ઞાનની દિશા ખોલે છે.

ગુરુ દત્તાત્રેય હોય કે સ્વામી વિવેકાનંદ, પહાડોની ઊંચાઈઓમાં જે શાંતિ અને પવિત્રતા અનુભવાતી હશે, ખાસ કરીને એ સમયે તે જ કદાચ આ સાધુસંતોને ત્યાં જઈને રહેવા, તપ કરવા પ્રેરિત કરતાં હશે. આજે પણ એ અનુભવાય જો લોકોનાં ધાડાં ન હોય તો. દેશ ભ્રમણ, આવાં સ્થળોએ જઈ ધ્યાન, સત્યની શોધ અને સમાજનો ઉત્કર્ષ કરવાની ચાહ..... તેમનાં જ્ઞાન, તેજસ્વિતા, આધ્યાત્મિક અનુભવો, સમાજ - લોકમાનસને સમજી શકવાનું તેમનું સામર્થ્ય વગેરે આમ જ કેળવાતાં હશે?

ગોમુખ...

આ દસ દિવસનાં રોકાણમાં બે વખત જઈ આવ્યાં.

પહેલી વખત સવારે થોડાં વહેલાં જ નીકળી ગયેલા. ઠંડી ખરી પણ ધુમ્મસ અહીં ન વર્તાય. પહાડોનાં રસ્તે ચાલતાં જવાની અલગ મજા, નજર પડે ત્યાં કાંઈક સુંદર, કાંઈક નવું જડી જ જાય. વળી આગળ વધતાં ઊંચાઈ પર જતાં કે નીચાણ પર જતાં આજુબાજુ નાં પહાડોનો વ્યૂ જે રીતે બદલાય તે જોવાની ખરી મજા... વિસ્મિત થઈને બસ જોતાં જ રહીએ. ખજૂરી, આંબા, વડનાં ઝાડ, મોટાં મોટાં ખડકો, વાંકા ચૂકાં રસ્તા. આબુમાં ઠેર-ઠેર એક વસ્તુ ખાસ દેખાય - જૂનાં ઝાડોનાં થડ કે મૂળ અને ખડકો વચ્ચે સર્જાયેલ સાયુજ્ય! કમ્બોડિયા નાં મંદિરોની યાદ અપાવે એવાં. હોટલથી ગોમુખ એક જ રસ્તો હતો પણ નિખીલ ને હતું બીજી પણ કોઈ રીતે પહોંચાતુ હોવું જોઈએ એટલે વચ્ચે એક જગ્યાએ રસ્તો છોડી કેડી પકડી. સૂકાં ઘાસ, વચ્ચે લેન્ટેનાનાં ઝાડી ઝાંખરા, હાથલાં થોળ પણ ઘણાં હતાં. ફૂલોનાં નામ પર સાવ નાનાં જંગલી ફૂલો, એ સિવાય લિલોતરી ઓછીને કાંટાળી ઝાડી વધુ.


લાલ લાલ ફીંડલા જોઈને ખાવાની લાલચ થઈ આવી, એટલી ખબર હતી કે એનાં કાંટા ખતરનાક હોય છે, હાથ પર વાગે નહીં એનું ધ્યાન રાખવું પડે. અને નિખીલની ના છતાં દર વખતની જેમ મોંમાં મૂકી જ દીધું 🙂, અલબત્ત ધ્યાન રાખીને જ. પણ પછી  ખબર પડી હાથલાં થોળનાં કાંટા એટલે શું. એકદમ ઝીણા...નખથી પકડવા પણ મુશ્કેલ. હોઠ, તાળવે, ગાલની અંદર અને હથેળીમાં એ માઈક્રો કદનાં કાંટા ખૂપવા શરૂ થયાં ત્યારે જ ખબર પડી. પણ અખતરાં તો કરવાનાં 😊.

ખૂબ સુંદર સવાર હતી. રસ્તે આવતાં ખડકોને, મોટાં ઝાડોને ભેટીને એમનાં સ્પર્શને અનુભવતાં દાદર ઉતરતાં ગયાં. સૂરજનાં પ્રકાશમાં પળેપળે બદલાતાં દશ્યોનાં  વૈભવને માણતાં ૭૫૦ પગથિયાં ઊતરી નીચે પહોંચ્યા.


એક મહારાજ અને એક દસ બાર વર્ષ નો છોકરો આવી પહોંચ્યા. કહાં સે આયે? પહલી બાર આયે? તભી ઈતની જલ્દી આયે. યહાં ઈતની જલ્દી કોઈ નહીં આતા, હમે ભી કામ સે બહાર જાના હૈ વરના હમ ભી નહીં આતે. આશ્રમ કે કમાડ ભી દસ બજે તક નહીં ખૂલતે. જાનવર આતે હૈ. રાસ્તે મેં ભી જાનવર કા ડર રહેતાં હૈ. યે ઉનકે બહાર નીકલને કા સમય હૈ. હમ ઉપર જા રહે હૈ આપ ભી હમારે સાથ ચલો. નિખીલને રોકાવું હતું પણ મહારાજ.... નહીં મેં આપકો સહી બોલ રહા હૂં, દર્શન તો હો ગયા, અભી ચલો. આગળ લોકો રીંછ અને દિપડાથી કેવાં ગભરાયેલા તેની વાર્તાઓ કરી. મને થયું ચાલો આશ્રમતો બંધ જ દેખાય છે, આમની સાથે ગપ્પાં મારવાની મજા આવશે અને અમે ઉપર ચડવાનું શરૂ કર્યુ.

આપને દેખે હૈ જાનવર? હા તો, હજારો બાર. આપ યહાં કબ સે રહેતે હો? બસ, મેં તો પહેલે સે યહીં પર હૂં. યહાં વૈસે ભી લોગ કમ આતે હૈ ઔર ઈતની સુબહ તો નહીં આનાં ચાહિએ. ઉપર ચડવું થોડું અઘરું હોય પણ ગપ્પાં મારતાં ક્યાં ચડી ગયાં ખબર ન પડી.

છેલ્લે દિવસે ફરી એક વખત ગોમુખ. એક યંગ કપલ નીચે જવું કે ના જવું એની અવઢવમાં હતું. પણ અમારી સાથે નીચે ઉતરી આવ્યાં. ગોમુખ મંદિરની પાસે જ વશિષ્ઠ આશ્રમ છે.

વશિષ્ઠ આશ્રમનાં મુખ્ય મંદિરમાં ઋષિ વશિષ્ઠ, રામ લક્ષ્મણ અને ઋષિપત્ની અરુંધતીની મૂર્તિઓ છે. મૂળ મંદિર ખાસ્સું પ્રાચીન હશે એમ ત્યાં મંદિરની બહાર આસપાસ મૂકેલી મૂર્તિઓ પરથી લાગે છે. ૧૯૭૩માં લેન્ડ સ્લાઈડનાં કારણે મંદિર ને નુકસાન પહોંચતાં અત્યારનું મંદિર નવું બંધાયેલ છે‌. જૂની મૂર્તિઓ પણ અદ્ભૂત કળાની દ્યોતક હતી. એક ઋષિ મૂર્તિ એ ખાસ મારું ધ્યાન ખેંચ્યું... પદ્માસનમાં ધ્યાનસ્થ એ મૂર્તિ એટલી તો જીવંત લાગી, ધ્યાન વખતે ચહેરા પર પ્રસરતો હળવો મંદ આનંદ પણ અનુભવાતો હતો.

ત્યાં એક મુખ્ય મહારાજ હતાં. એમણે કહ્યું અરે, આપ આ જાતે...હમ તો સાત બજે ભી કમાડ ખોલ દેતે. વૈસે લોગ કમ હી આતે હૈ પર જો આતે હૈ ઉનકા સ્વાગત હૈ.

મહારાજે મંદિર અને ઋષિ વશિષ્ઠ વિશે વાતો શરૂ કરી. પોસ્ટર પર આખી વાર્તા હતી જ અને ખાસ એનો ફોટો અમારે લેવો એવો એમનો આગ્રહ હતો. બાકી, કેમેરા નોટ અલાઉડ. એમની પાસે વાર્તા સાંભળવાની અલગ મજા. પૂરાણ કાળથી આ ઋષિમુનિઓની ભૂમિ છે. રામ લક્ષ્મણ ને યહીં ને શિક્ષા લી. યે આબુ પર્વત કો વશિષ્ઠ મુનિ યહાં લાયે. જ્યારે એમણે કહ્યું આબુ, હિમાલય નો પુત્ર ત્યારે મેં કહ્યું કે પણ હિમાલય કરતાં તો આબુ જૂનો પર્વત છે. ત્યાં એમનાં મોં પરનાં ભાવ સહેજ પલટાયાં. નહીં...યે અર્બુદ ગિરી હિમાલય કા પુત્ર હૈ ઔર, જો નાગ અપને સર પર ઉસે ઊઠા કે લેકે આયા ઉસકા નામ અર્બુદ.

અહીં એક અગ્નિ કૂંડ પણ છે જ્યાં અસૂરોથી બચવા માટે વશિષ્ઠ મુનિ એ યજ્ઞ કર્યો હતો અને રાજપૂતોની ચાર શાખાઓ અહીં થી જ ઉત્પન્ન થઈ હતી એવી પણ એક માન્યતા.

થોડી વાર વાતો કરી પણ મહારાજ પણ ખુશ અને અમે પણ. બસ, એમની માન્યતાઓથી અલગ વાત નહીં કરવાની. મહારાજનો આભાર માની નીકળ્યા.

ઉપર આવ્યાં ત્યારે સાંજનો સૂર્ય હજી તપી રહ્યો હતો. પક્ષીઓનાં અવાજ આવી રહ્યાં હતાં એટલે થોભ્યાં. અને સક્કરખોરા  જબરાં ગેલમાં દેખાયાં. મેલ સનબર્ડનો રંગ એ સાંજનાં સૂર્યનાં પ્રકાશમાં સરસ ચમકી રહ્યો હતો અને પાછળ પીળાં ફૂલોનું બેકગ્રાઉન્ડ! પણ એટલું ચંચળ પક્ષી... પક્ષીઓ ની ફોટોગ્રાફી ધીરજ વાળી વ્યક્તિનું જ કામ. રસ્તે પાછાં ફરતાં ખેરખટ્ટાઓનું ટોળું જોઈને રોકાયાં તો ખૂબ શરમાળ એવું ભાગ્યે જ દેખાતું Red spur fowl કેમેરામાં ઝડપાઈ ગયું!


ભેરુતારક

ભેરુતારક જવા માટે પહેલી વખત મોડાં પડ્યા, બીજે દિવસે પણ મોડાં જ હતાં. પણ હવે જવું જ એમ નક્કી કરીને હું અને નિખીલ નીકળેલાં. સનસેટ પોઈન્ટથી જવા આવવાનાં થઈને ૧૬ કિમી થાય. લગભગ ૧૧ થવાં આવેલાં, ધારીએ તો સાંજ સુધીમાં આવી પણ જવાય પરત. પણ ફુરસતે ફરવું હોય ત્યાં સમય તો જોઈએ અને રસ્તો એવો કે મોડું કરવું ના પાલવે. છતાં ઉપડ્યા.

ભેરુતારક પાશ્ચૅનાથ જૈન મંદિર છે. માઉન્ટ આબુની પહાડીઓ ઉતરીને સિરોહી જીલ્લામાં આવેલ આ તીર્થ સુધી જઈ શકાય. અરાવલીની પહાડીઓથી ઘેરાયેલ સુંદર સ્થળ એવું જાણેલું એટલે આકર્ષે તો ખરું જ. મોટરમાર્ગે તો ખાસ્સું ફરીને પહોંચાય, લગભગ ૬૦-૬૫ કિમી. આબુમાં રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ જેવી કે શાકભાજી, અનાજ, કઠોળ એ બધું આ બાજુનાં ગામ માંથી જતાં હોય છે. આબુમાં બહુ ખેતી નથી. એટલે ઊતરવા માટે પથ્થરની કેડી છે. બાકી આખો વિસ્તાર જંગલ જ છે.  ક્યાંક ગાઢ, ક્યાંક આછો. મોટાં મોટાં ખડકો અને ગુફાઓ. આબુમાં ક્યાંક પણ જાઓ દિપડા અને રીંછનો ભય રહે જ એવું એક કરતાં વધુ લોકોએ કહેલું અને ઠેર ઠેર જંગલ ખાતાનાં પાટિયા પણ એ યાદ અપાવતાં રહે. એમાં ખાસ આ વિસ્તારનાં જાણકાર ના હોવ, જ્યાં લોકોની વધુ અવર જવર ના રહેતી હોય ત્યાં એકલ દોકલ જવું એક જોખમ જ.


ફેબ્રુઆરીની શરૂઆત હતી, તડકો હતો પણ ખાસ કઠે એવો નહીં. આટલાં બધાં ઝાડપાન, ખડકો, ગુફાઓ...બસ આનંદ અને અમે આરામથી ઉતરી રહ્યાં હતાં. રસ્તે અમારાં સિવાય કોઈ નહીં. બપોર હતો એટલે ખાસ પક્ષીઓ ના દેખાયા પણ વાંદરા બધે હોય જ. ઘણું ઉતર્યા પછી થોડાં માણસો દેખાયાં. છ સાત જણ હતાં. બારમેર તાલુકાનાં હતાં અને ભેરુતારક પાસે કોઈક રસ્તાનું કામ કરતાં હતાં. એ દિવસે સમય હશે એટલે આબુની ઉભડક મુલાકાતે જાય છે એવું કીધું. આવી વેરાન જગ્યાઓએ જંગલી જાનવરો સિવાય માણસનો પણ ડર રાખવો પડે એવું પહેલી વખત મનમાં લાગ્યું. આપણે બે અને સામે આવાં છ સાત આવી ચઢે તો?. બહુ ભલા હોય એવાં તો આ લોકો પણ નહોતાં દેખાતાં પણ એ લોકો ચઢી ગયાં આગળનો રસ્તો.


લગભગ અઢી ત્રણ વાગ્યે છ એક કિમી જેટલું ઉતરી રહેલાં. ઉતરાણ તોપણ આસાન હોય, ચડતી વખતે તકલીફ રહે. સમય પણ વધુ લાગે. એટલે ભેરુતારક સુધી જવાનું માંડી વાળ્યું. જંગલ પોતે જ એટલું સરસ હતું કે બહુ અફસોસ ના રહે. બે સમોસા હતાં, થોડો એનર્જી લોસને સરભર કર્યો. પાણીની તકલીફ પડે એમ હતું. એક બોટલમાં થોડું જ બાકી રહેલું, એને સાચવીને થોડું થોડું પીતાં રહેતાં. કોઈ પણ ફિઝિકલ એકટીવીટી વખતે હાઈડ્રેટેડ રહેવું સૌથી વધુ મહત્વનું હોય છે.

હજુ થોડું ઘણું ચડાણ માંડ કર્યુ હશે ત્યાં માણસોનો અવાજ સંભળાયો. અવાજ પરથી લાગ્યું, બે માણસો છે. હસવાનાં અને ખિખીયાટીનાં અવાજો હતાં. બે જ હતાં. અમને પૂછ્યું, ક્યાંથી આવો છો?. 'ગુજરાત'. અમે પણ પૂછ્યું, અહીં ક્યાંથી અને કેમ? સરખો જવાબ ન મળ્યો. કદાચ પીધેલી હાલતમાં હતાં. હજુ તો બે ડગલાં આગળ વધ્યાં ત્યાં એકે પાછળથી થોભવાનું કહ્યું, કહે પાંચસોનાં છૂટાં છે?. નિખીલે ના પાડી. મારું પર્સ બતાવીને કહે, આમની પાસે હશે. મેં પણ ના પાડી. પાછો પૂછે, અહીં કેમ આવ્યાં છો?. હવે થોડી ધાક બતાવવાની જરૂર લાગી, એ લોકોનો ઈરાદો સારો નહોતો જ. પૂનેમાં રહીને આદત પડી ગયેલી, એટલે લાગલું જ કહી દીધું...'આર્મી વાલે હૈ'. ' આર્મી વાલે તો ઈધર નહીં આતે, આપ કૈસે?'. 'બસ, ઘૂમને'. વધારે મગજમારી નહોતી કરવી એટલે અમે ઝડપથી પગ ઉપાડ્યા. પાછળથી સંભળાયું...'જૂઠ બોલતે હૈ, પૈસે હોંગે'. અમે ચાલ્યે રાખ્યું. પાછળની તરફ પણ એકદમ એલર્ટ રહીને કે રખેને પાછળથી એટેક કરે તો. એમનો અવાજ પહેલાં દૂર જતો લાગ્યો અને ફરી નજીક આવતો‌. પાછળ ફરીને જોયું તો બંને પાછાં આવી રહ્યાં હતાં. હવે સહેજ ગુસ્સાથી પૂછ્યું, 'વાપિસ ક્યોં આયેં?'. એક જણો નાટક કરવાં લાગ્યો. 'આપ લોગ ઈધર ક્યોં?'. 'પાની હૈ?, પાની પીના હૈ". અમે ના પાડી, એક ઘૂંટડો પાણી માંડ બચેલું. અને એણે જબરદસ્તી મારાં હાથમાંથી બોટલ ઝાપટવાની કોશિષ કરી!. આ ક્ષણે રસ્તામાં લીધેલી લાકડી નિખીલે ઉગામી અને અમારાં બંનેનું એકદમ સ્ટ્રોંગ રિએકશન 'એય...ખબરદાર'. અસર તો થઈ અને હજી ગભરાવવાની જરૂર હતી. આર્મીની મદદ લીધી 🙂. બીજો પેલાંને ખેંચીને પાછો લઈ જવા માંડ્યો અમારી માફી માંગતા માંગતા.

હાશ, ગયાં. પણ અમે ચોકન્ના તો હતાં જ. બીજાં કોઈ એમની સાથે હોય કે બીજો શોર્ટકટ જાણતાં હોઈને ફરી આવીને ઊભાં રહે તો.

બે બીજાં માણસો હાથમાં ટોપલા સાથે ઝડપથી ઊતરી આવતાં જોયાં. એ બંને પાછળનાં ૧૨ કિમી દૂરનાં ગામનાં રહેવા વાળા હતાં. સવારે ટોપલા ભરીને શાક વેચવા આબુ આવતાં હશે તે સાંજ પડતાં પાછાં જઈ રહ્યાં હતાં. એમને પેલાં બે વિશે કહ્યું. તો કહે, લાઠી દિખાની થી ના. લગા દેને કી જરુરત પડે તો.

ખેર, લગાવવાની જરૂર તો ન પડી. ઘણી વખત ફૂંફાડાથી જ કામ થઈ જતાં હોય છે.