ઉત્તરાખંડની સફર
"બોલો, કઈ બાજુ? હિમાચલ કે ઉત્તરાખંડ?"
સવારે રિસોર્ટ ની આસપાસ પક્ષીઓ ની વિવિધતા અને તાદાત જોતાં આશનાનાં ઉત્સાહનો પાર નહોતો, પણ તુંગનાથનો ટ્રેક પણ એટલો જ લલચાવતો હતો. લખનૌથી બાઈક પર આવેલાં બે જણને ચોપતાનાં બરફ વાળા રસ્તે ડ્રાઈવ કરવી નહોતી એટલે ચાલતાં જઈ રહેલાં. આગલે દિવસે એમને કાંઈક ખરાબ અનુભવ થયેલો. એ પહેલાં નિખીલ સાથે ઘણી વાતચીત થયેલી, સારાં માણસો હતાં. એમને બેસાડવા બધો સામાન ઉતાર્યો ને જગ્યા કરી. મજાનાં બોલકણા હતાં અને યુપીની મસ્ત ગામઠી હિંદી. બાઈક ઉપર ભારતભ્રમણની એમની યોજના હતી. એકલાં રેકી કરતાં અને લાગે કે ફેમિલી સાથે જવાય એમ છે ત્યાં ફેમિલી સાથે જતાં.
બનિયાકૂંડથી સહેજ જ આગળ ગયા અને અચાનક એક શિયાળ નજરે પડયું. આટલું સુંદર શિયાળ! એકદમ ચપળ હતું. આશનાની આદત છે, આવું કાંઇક દેખાય એટલે ગાડીતો રોકાવે જ. અહીં એણે રોકવા કહ્યું અને પેલાં બે માંથી એક બોલી ઉઠયો...અરે બેટા, ઐસે તો બહોત મિલેંગે આગે.જાને દો.અને એટલી વારમાં પેલું બ્યુટીફૂલ ગાયબ! સહેજ વાર તો મારી અંદરની સ્વાર્થી મોમને અકળામણ થઇ ગઇ. એ લોકોનો વાંક નહોતો પણ આવી રીતે જે પળ સામે છે તેને અમથી ઉતાવળમાં વેડફી નાંખવાની? પાછળથી ખબર પડી એ રેડ ફોક્ષ હતું, પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરીને શિકાર શોધવો એ એની ખાસિયત છે.
"બોલો, કઈ બાજુ? હિમાચલ કે ઉત્તરાખંડ?"
ગુડગાંવથી નીકળીને દિલ્હી ક્રોસ કરતાં આ એક સવાલ હતો નિખીલનો. અને નક્કી થયું ઉત્તરાખંડ. રાત્રે બારેક વાગ્યે પતંજલિ યોગ પીઠ જોયું અને ત્યાં જ રોકાયા. દિલ્હીમાં અઠવાડિયાથી ઠંડીનો અનુભવ તો કરી રહ્યા હતાં પણ હિમાલયની ઠંડી તો હરિદ્વારથી જ પરચો બતાવી રહી હતી. સવારે જોયું કે આ તો ખૂબ જ વ્યવસ્થિત અને વિશાળ જગ્યા છે.
ચારધામ યોજનાને લીધે, ચારેય ધામ જતાં ઠેકઠેકાણે રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. પહાડોને કોતરી જાણે એની સુંદરતા ને નષ્ટ કરવાનું કામ માણસજાત કરી રહી છે. હિમાલયનાં પહાડો વિશાળ ખરાં પણ નક્કર નહીં, અને આ બધી છેડછાડ કેવા પરિણામો લાવશે એ તો ભવિષ્ય જ કહેશે. આખાં રસ્તે ચાલતાં કામ, ધૂળિયા અને ખોદાયેલા રસ્તા, ટ્રાફિક ને લીધે અવરોધાતી ગતિ એ બધાં ને લીધે ઘડીક તો એવું થતું કે આનાં કરતાં હિમાચલ ગયાં હોત તો સારું. આશ્વાશન હતું તો એ નદી અને પહાડો ની જે સુંદરતા જોવા મળી રહી હતી તે.
હરિદ્વાર અને ઋષિકેશ પછી દેવપ્રયાગમાં રોકાવાનું થયું. હિમાલયમાં સાફસૂથરી લોજ કે હોમસ્ટે મળી જાય એટલે ઘણું.રાતે નવેક વાગ્યે દેવપ્રયાગ પહોંચેલા અને ત્યાં એક જ લોજ અને એ પણ બહાર તાળું! ફોન નંબર લખી રાખેલો દરવાજા પર અમારાં જેવાં મુસાફરોનાં લાભાર્થે :)
અમારી ઊંઘ ઉડતાં વાર લાગતી ઠંડીમાં પણ આશના નીકળી ગઈ હોય, એ અને એનો કેમેરા. ગરમ નાસ્તો તો કાંઈ મળે એમ નહોતો, અમારી પાસે ઈન્ડકશન ને મેગી નાં પેકેટ હતાં...ચલાવી લીધું. લોજની પાછળ જ નદી અને ખૂબ સુંદર જગ્યા.
દેવપ્રયાગથી રુદ્નપ્રયાગ એકદમ આરામથી, અટકવાનું મન થાય તે જગ્યાએ અટકી, નદીનાં વિવિધ રૂપને માણતાં અમારી સફર પણ વહેતી જતી. નદી, જ્યાં પાણીમાં ઊતરી શકાય તેમ હોય ત્યાં મેઘને રોકવો અઘરો. રુદ્નપ્રયાગથી ઉખીમઠ થઈ નદીને માણતાં અને લોકોને મળતાં સાંજે બનિયાકૂંડ પહોંચતા અંધારું થઈ ગયેલું અને રસ્તા પર બરફ પણ હતો. છતાં ચોપતા પહોંચવું હતું. પણ આગળની એક ગાડી અટકી ગયેલી બ્લેક આઈસ નાં લીધે અને અમારે વળાંક વાળા રસ્તા પર અઘરો રિવર્સ લઈ પાછા ફરીને બનિયાકૂંડમાં જ રોકાવું પડ્યું. મોનલ રિસોર્ટ, પતરાં ની બનાવેલી નાની નાની બે-ત્રણ રૂમ અને સાથે એમનું કિચન. અમે થોડાં વહેલાં હતાં અને ગાડી અટકી હોયને પાછા આવ્યાં હોઈએ એવાં પણ પહેલાં હતાં એટલે તો પણ વ્યાજબી ભાવે રૂમ મળી ગઈ. પણ અમારા પછી આવેલાં એ તો માંગેલી કિંમત,અમારાં કરતાં ઓલમોસ્ટ બમણી કિંમતે રહેવું પડેલું. નળમાંથી હજી બરફ જેવું પાણી આવી રહ્યું હતું, રિસોર્ટવાળાએ કીધું હમણાં થોડીવાર પછી એ પણ નહીં આવે. માઈનસ તાપમાનમાં બધી લાઈનો જામી જશે. હું તો ગાડીમાંથી સીધી ગોદડાંમાં, ઠંડીએ મારી હાલત ખરાબ કરેલી એમાં ગોદડાં જાણે બરફનાં હોય એવાં ઠરી ગયેલાં! બધાંને કકડીને ભૂખ લાગેલી અને ગરમ ગરમ રોટી, સબ્જી, દાલે ઠંડીને સહેજ સહન કરી શકાય તેવી બનાવી નાબનાવી ને ફરી પાછો એ જ ઠરઠરાટ! ઠંડી અને થાક, ગોડદામાં ઢબુરાઈ જવા સિવાય કોઈ રસ્તો નહોતો અને સવારે જલ્દી ટ્રેક માટે પણ જવાનું હતું.
દેવપ્રયાગથી રુદ્નપ્રયાગ એકદમ આરામથી, અટકવાનું મન થાય તે જગ્યાએ અટકી, નદીનાં વિવિધ રૂપને માણતાં અમારી સફર પણ વહેતી જતી. નદી, જ્યાં પાણીમાં ઊતરી શકાય તેમ હોય ત્યાં મેઘને રોકવો અઘરો. રુદ્નપ્રયાગથી ઉખીમઠ થઈ નદીને માણતાં અને લોકોને મળતાં સાંજે બનિયાકૂંડ પહોંચતા અંધારું થઈ ગયેલું અને રસ્તા પર બરફ પણ હતો. છતાં ચોપતા પહોંચવું હતું. પણ આગળની એક ગાડી અટકી ગયેલી બ્લેક આઈસ નાં લીધે અને અમારે વળાંક વાળા રસ્તા પર અઘરો રિવર્સ લઈ પાછા ફરીને બનિયાકૂંડમાં જ રોકાવું પડ્યું. મોનલ રિસોર્ટ, પતરાં ની બનાવેલી નાની નાની બે-ત્રણ રૂમ અને સાથે એમનું કિચન. અમે થોડાં વહેલાં હતાં અને ગાડી અટકી હોયને પાછા આવ્યાં હોઈએ એવાં પણ પહેલાં હતાં એટલે તો પણ વ્યાજબી ભાવે રૂમ મળી ગઈ. પણ અમારા પછી આવેલાં એ તો માંગેલી કિંમત,અમારાં કરતાં ઓલમોસ્ટ બમણી કિંમતે રહેવું પડેલું. નળમાંથી હજી બરફ જેવું પાણી આવી રહ્યું હતું, રિસોર્ટવાળાએ કીધું હમણાં થોડીવાર પછી એ પણ નહીં આવે. માઈનસ તાપમાનમાં બધી લાઈનો જામી જશે. હું તો ગાડીમાંથી સીધી ગોદડાંમાં, ઠંડીએ મારી હાલત ખરાબ કરેલી એમાં ગોદડાં જાણે બરફનાં હોય એવાં ઠરી ગયેલાં! બધાંને કકડીને ભૂખ લાગેલી અને ગરમ ગરમ રોટી, સબ્જી, દાલે ઠંડીને સહેજ સહન કરી શકાય તેવી બનાવી નાબનાવી ને ફરી પાછો એ જ ઠરઠરાટ! ઠંડી અને થાક, ગોડદામાં ઢબુરાઈ જવા સિવાય કોઈ રસ્તો નહોતો અને સવારે જલ્દી ટ્રેક માટે પણ જવાનું હતું.
ચોપતા...નેચર અને એડવેન્ચર લવર્સને પહેલી નજરે જ ગમી જાય તેવું સ્થળ. શૂઝ અને સ્ટીક ભાડે લઈને તુંગનાથ નાં ટ્રેકની શરુઆત ત્યાંથી જ થાય છે. તુંગનાથ ૩૬૮૦ મીટરની ઊંચાઈ પર આવેલ વિશ્વનું સૌથી ઊંચું શિવ મંદિર. પાંચ કેદાર માંથી એક. હજારેક વર્ષ પહેલાંનું મંદિર. ચોપતાથી તુંગનાથ લગભગ સાડાત્રણ કિમીનો ટ્રેક છે પણ શિયાળામાં બરફ ને કારણે ઘણી જગ્યાએ લપસણા થયેલ પથ્થરો અને પગથિયાંને લીધે હંફાવે એવો હતો. રસ્તે ઘણા લોકોને અધવચ્ચેથી પાછા આવતાં પણ જોયા. એક જણ તો એનાં ગૃપથી છૂટો પડીને કકળાટ કરતો જઈ રહ્યો હતો, યહાં કૌન આયેગા સાલા.
બરફ અને સીધાં ચઢાણ, ઉપરથી શ્ચાસ ફુલી જાય. આટલાંમાં તકલીફ પડી જાય તો એવરેસ્ટ કે બીજા ઊંચા શિખરો સર કરવા એટલે શું તે કાંઈક સમજાય. ચાર-પાંચ વાગતા સુધીમાં પાછું નીચે આવી જવું પડે એટલે તુંગનાથથી આગળ ચંદ્રશીલા જવાનો સવાલ જ નહોતો. અમે ખૂબ આરામથી ધીરેધીરે ચડયા. આગલે દિવસે રસ્તામાં જે બરફ આચ્છાદિત શિખરો દેખાતાં હતાં તે ઉપર ચડતાં વધુ સ્પષ્ટ, વધુ વિશાળ અને અનેક ગણાં સુંદર દેખાતાં જતાં હતાં. આવી જગ્યાએ જે અલૌકિક, અદભૂત, સુંદરતમ, સમજાવી કે વર્ણાવી ન શકાય તેવી જે અનૂભૂતિ થાય છે તે જ શિવ?.
આજુબાજુ બરફ જ બરફ પણ મેઘને રમવાનો ચાન્સ ના મળ્યો. સમય પણ મહત્વનો હતો. પેલાં લખનૌવાળા માંથી એક ભાઈ થોડા ગભરાતાં હતાં. વારેઘડીએ કહેતાં તમે ફેમિલી સાથે જબરી હિંમત કરી. અટકે એટલે બીજા ભાઈ જરા પુશ કરે, પછી મેઘને જોઈને કહે ચલો, યે કર શકતા હૈ તો હમ ભી કરેંગે :). પાછા ફરતાં સખત ભૂખ લાગેલી, છાપરાં વાળી નાની હોટલમાં કોઈક ભાજી કદાચ મૂળાની નાંખેલી ત્યાંની દાળ અને ભાત સરસ હતાં. ચોપતા પહોંચ્યા ત્યારે એ લોકો દેખાયા નહીં. એમને મૂકીને રિસોર્ટ પર પાછું ફરવું પડ્યું, ઠંડીને કારણે મને માથામાં સખત દુખાવો થઈ રહ્યો હતો. એમને એ ત્રણ કિમી રિટર્નનાં પાંચસો રૂપિયા આપવા પડ્યા.
બીજા દિવસે સવારે માઈનસ ટેમ્પરેચર માં આશના ચડી ગયેલી સામેની પહાડીને જંગલમાં ગૂમ. એ જગ્યા એની ખૂબ પ્રિય થઈ ગયેલી. જાતજાતનાં ક્યારેય ના જોયેલાં પક્ષીઓ મળેલાં એને ત્યાં. અને જાણી એની ખૂબ જાણીતી જગ્યા હોય તેમ બિંદાસ રખડતી. વાંદરાઓ પણ ઘણાં હતાં. અગિયારેક વાગ્યે નીચે ઉતરતી દેખાય ને એકદમ આવીને વળગી પડી. ધ્રૂસકે ધ્રૂસકે આવી રીતે રડતી એને કોઈ દિવસ જોઈ નહોતી. શું થયું? રડતાં રડતાં કહે, ખબર નહીં મારી શું ભૂલ થઈ, મારાં બધાં ફોટોઝ ડીલીટ થઈ ગયા. ઓહ!
ચોપતાથી ગોપેશ્વર જતો રોડ હતો. સામાન રિસોર્ટ પર મૂકીને આવેલાં અને આશનાને હજી ત્યાં બર્ડીગ ની ઈચ્છા હતી એટલે એ તરફ ન જતાં બનિયાકૂંડ પાછા આવેલાં. બરફ એ રસ્તે પણ હતો પણ ચોપતાથી ઉખીમઠ નાં ખોદાયેલ રસ્તે પાછા નહોતું જવું.
ઉખીમઠથી બનિયાકૂંડ પહોંચવા નાં બે રસ્તા હતાં અગ્યસ્તમુનિ પછી. નદીની સાથે સાથે રહેવા માટે એમાંનો જે અમે છોડી દીધેલો તે મૂકૂમઠ થઈ ને પહોંચતો હતો. આ મૂકૂમઠ તુંગનાથ ભગવાન નું શિયાળુ સ્થાન છે. સવારે બર્ડીગ કરીને એ રસ્તે અમસ્તા આંટો મારવાનું મન થયું સરસ જંગલ જોઈને. ભાગ્યેજ કોઈ ગાડી આ રસ્તેથી આવતી જતી જોઈ. આમ પણ એ રસ્તે બીજું ખાસ કાંઈ હતું નહીં અને બનિયા કૂંડ પહોંચતા છસાત કિમી વધુ થતાં. એકદમ શાંત, સાંકડો રસ્તો પણ પ્રચંડ કહી શકાય તેવા પહાડો જ્યાં માત્ર ગાઢ જંગલ જ જોવા મળે, એકદમ નિર્જન! અચાનક રસ્તા વચ્ચેથી એક તગડો વાનર પસાર થઈ ને પાસેની ઝાડીમાં છૂપાઈ ગયો. આ વાનર અમને કાંઈક જુદો લાગ્યો. ખબર પડી માત્ર ઉત્તરાખંડ, ભૂટાન અને નેપાળમાં જોવા મળતી આ તરાઈ ગ્રે લંગૂર પ્રજાતિ છે. માત્ર ૧૦,૦૦૦ પુખ્ત વાનર બચ્યા છે આ પ્રજાતિનાં. કોઈ અલગ દુનિયામાં ચક્કર લગાવીને આવ્યાં હોઈએ એવી અનૂભૂતિ સાથે પાછા બનિયાકૂંડ આવ્યા અને જો હોગા દેખા જાયેગા, વિચારીને ફરી ચોપતા જઈને ગોપેશ્વરનો રસ્તો પકડ્યો.
ચોપતાથી આગળ બરફ થોડો વધુ હતો. બરફને લીધે ગાડી સરકી પણ એકાદ વખત. ધબકારો ચૂકી જવાય એવી ક્ષણ. આગળ એકાદ બસનો ડ્રાઈવર અને તેનો સાથીદાર મળ્યા, આગળનાં રસ્તાઓ કેવા છે પૂછ્યું. બરફને લીધે બસને ટર્ન લેતાં તકલીફ પડી રહી હતી. સ્કૂલનાં બાળકોથી ભરેલી બસ હતી એટલે પગે ચાલીને આગળનો રસ્તો ચેક કરતાં જાય ને આગળ વધતાં જાય. આગળ ફરી જંગલની અદભૂત સુષ્ટિ. આ બાજુનાં ઝાડનાં થડ, પથ્થરો, ખડકો પર લીલ પથરાયેલ હતી અને આખો ને આખો ગ્રીન લેન્ડસ્કેપ બનતો હતો ઘણી જગ્યાએ. જંગલો તો ઘણાં જોયા છે, દરેક પોતપોતાની રીતે ખાસ. પણ આ જંગલો, તેની વિશાળતા, સફરની સાથે પળે પળે બદલાતા લેન્ડસ્કેપ, ખૂબસૂરત વળાંકો, પક્ષીઓ ની વિવિધતા અને તેમના વિશિષ્ટ રંગો, જ્યાં નજર માંડીએ ત્યાં કુદરત માટે નાં અહોભાવ થી છલકાઈ જવાય. શબ્દોની કોઈ તાકાત નથી એને દર્શાવી શકવાની. આ સુંદર સ્વપ્ન સુષ્ટિ નો અંત જ ના આવે એવી કામના સાથે ઉતરાણ પૂરું થતાં મંડલ ગામ પહોંચ્યા.
ચોપતાથી આગળ બરફ થોડો વધુ હતો. બરફને લીધે ગાડી સરકી પણ એકાદ વખત. ધબકારો ચૂકી જવાય એવી ક્ષણ. આગળ એકાદ બસનો ડ્રાઈવર અને તેનો સાથીદાર મળ્યા, આગળનાં રસ્તાઓ કેવા છે પૂછ્યું. બરફને લીધે બસને ટર્ન લેતાં તકલીફ પડી રહી હતી. સ્કૂલનાં બાળકોથી ભરેલી બસ હતી એટલે પગે ચાલીને આગળનો રસ્તો ચેક કરતાં જાય ને આગળ વધતાં જાય. આગળ ફરી જંગલની અદભૂત સુષ્ટિ. આ બાજુનાં ઝાડનાં થડ, પથ્થરો, ખડકો પર લીલ પથરાયેલ હતી અને આખો ને આખો ગ્રીન લેન્ડસ્કેપ બનતો હતો ઘણી જગ્યાએ. જંગલો તો ઘણાં જોયા છે, દરેક પોતપોતાની રીતે ખાસ. પણ આ જંગલો, તેની વિશાળતા, સફરની સાથે પળે પળે બદલાતા લેન્ડસ્કેપ, ખૂબસૂરત વળાંકો, પક્ષીઓ ની વિવિધતા અને તેમના વિશિષ્ટ રંગો, જ્યાં નજર માંડીએ ત્યાં કુદરત માટે નાં અહોભાવ થી છલકાઈ જવાય. શબ્દોની કોઈ તાકાત નથી એને દર્શાવી શકવાની. આ સુંદર સ્વપ્ન સુષ્ટિ નો અંત જ ના આવે એવી કામના સાથે ઉતરાણ પૂરું થતાં મંડલ ગામ પહોંચ્યા.
પહાડોનાં ખાંચામાં બનેલું સરસ મજાનું ગામ. નદીનાં દર્શન થતાં હતાં. અહીં નેટવર્ક મળતું હતું એટલે નિખીલને કામનાં ફોન પતાવવા થોભવું પડ્યું ને હું ઉતરી ગઈ, પગપાળા ગામમાં ફરતાં એક ચા-નાસ્તાની દુકાન પર એક જવાન છોકરો મળી ગયો. એ તો સરકારી નોકરીમાં હતો પણ દુકાનદાર લાકડીઓ વીણવા ગયેલો એટલે એ સાચવતો તડકામાં બાસ્કીગ કરતો બેઠો હતો. હિમાલયની ઠંડીમાં સૂર્યનો તડકો બહુ વ્હાલો લાગતો. એણે ખુરશી ઓફર કરી એટલે આપણે પણ જમાવ્યું. ઘણીબધી વાતો થઈ. ૧૯૯૦ સુધી બરફ પડતો પણ હવે મંડલમાં નથી પડતો. ગામમાં સ્કૂલ છે, બધાં ભણે છે પણ રોજગારની શક્યતા નથી બહુ એટલે લોકો બહાર જાય છે. ખેતી હવે કોઈ કરતું નથી. ગામમાંથી ઘણાં લોકો આર્મીમાં છે પણ મોટાભાગનાં જવાન છોકરાંઓ બેરોજગાર છે અને આમતેમ રખડતાં રહે છે. આપ કહાંસે થી શરૂ કરીને થોડાં સવાલો એણે પણ પૂછ્યાં. મોદી પછી કોઈને જવાબ માં 'ગુજરાત' કહો એટલે એક અહોભાવ તો આવી જ જાય. તુંગનાથનો પેલો દાલ-ચાવલ વાળો તો મોદી,મોદી,મોદી કરીને ઉત્સાહ માં આવી ગયેલો :D.
ગરમ નાસ્તો શોધતાં એક નાનકડી ચા-નાસ્તા, મેગી-ચાઉમીનની દુકાન પર આવી પહોંચ્યા. લાફીગ બુધ્ધા જેવો ચહેરો અને આકાર ધરાવતા એ દુકાનદારને મેગીનો ઓર્ડર આપીને આમતેમ ટહેલતી હતી. અને એણે લાગલું જ પૂછ્યું...
મેડમ, આપકી એજ ક્યા હૈ?.
હા હા હા, આપકો કયા લગતી હે વો બતાઓ.
વૈસે ચાલીસ-પૈતાલીસ કે આસપાસ હી પર.....
આપ સહી હો :)
વહી તો સોચુ, ફીટનેસ દેખકે તો આપકી એજ નહીં દિખતી ઈતની.
હમમમ...બહુ બધાં લોકોને મને ધારી ધારીને જોતાં જોયાં છે હંમેશા કાંઈક કન્ફયુઝન સાથે. પણ આટલી સહજતાથી કોઈએ પૂછ્યું નહોતું. એની સાથે વાતો કરવાની પણ મજા આવી. એનું ઘર રસ્તાની સામેની બાજુની પહાડીની ઉપર હતું. નીચેથી ખબર ના પડે પણ ઘણાં ઘરો હતાં ત્યાં. એ જ પહાડી પર એક જૂનું બોર્ડ હતું, એલચી, અરીઠા, મેન્ટોસ વગેરે ની રોપણી બાબતે. એને પૂછ્યું તો કહે, હા અમે જ લગાવેલા બધાં છોડપાન ૨૦૦૩ માં. શરુઆતમાં બધું વ્યવસ્થિત ચાલ્યું, પછી બંધ થઈ ગયું.
એણે કાંઈક વઘાર કરીને કાંદા ટામેટાં વાળી મેગી બનાવી. મને ના ભાવી પણ બાકી બધાં એ મજેથી આરોગી. પૂછ્યું, શેનો વઘાર હતો? જખોઉ એણે કહ્યું. અહીં પહાડોમાં જ ઉગે.
ત્યાંથી આગળ વધતાં રસ્તે ખૂબ સુંદર વ્યૂ પોઈન્ટસ આવતાં ગયાં. આવાં એક વ્યૂ પોઈન્ટ પર અમે ઊતર્યા તો નીચે કોઈ ખેતરમાં ક્રિકેટ મેચ ચાલી રહી હતી અને લાઉડસ્પીકર પર કોમેન્ટરી! પહાડોનાં ઢોળાવો પર વ્યૂ પોઈન્ટ પાસે બેસી બે ચાર માણસો નિરાંતે ક્રિકેટની મજા માણી રહ્યા હતાં.
આગળ ક્યાં જવું એ નક્કી નહોતું. ચોપતાથી ઓલી જવાવાળા ઘણા મળેલા પણ એક તો અમારે બહુ ભાગાભાગ કરવી નહોતી અને બીજું ત્યાં જવું એટલે ચારધામ યોજના તો નડવાની જ. ઉપરાંત ક્રિસમસ નો રશ. મંડલ પાસે નદી પર બ્રીજ હતો, નદીમાં ઉતરાય એવું હતું, મેં કીધું પણ અને એણે ગાડી ના થોભાવી એ વાત પર હું લડી રહી હતી નિખીલ સાથે. સરસ મજાની નદીને આવી રીતે સ્પર્શ પણ કર્યા વગર આગળ જતું રહેવાનું?
ગાડી ઉતરાણ પર હતી, ગોપેશ્વર તો એક ટાઉન જેવું જ હતું અને જો ઓલી તરફ ના જવું હોય તો આગળ નીચે ચમોલી હતું. આશનાને ઊંચાઈ છોડવી નહોતી, જોશીમઠ કે ચમોલી તરફ પણ જવું નહોતું એટલે ગોપેશ્ચરથી યુ ટર્ન ફરી મંડલ તરફ. અને એક નાનકડાં ગામની નાનકડી હોટલમાં રોકાઈ ગયાં.
હોટેલનો માલિક તેનસિંગ, તેનો ભાઈ અને બીજા એક બે સંબંધી જ હતાં સ્ટાફમાં, બધાંની રસોઈ સાથે જ બનતી અને ખૂબ સ્વાદિષ્ટ. સાંજ પડતાં તાપણું કર્યું ને હિમાલયની ઠંડી ની એક ઓર મજા ઉપલબ્ધ બની. કાશ, આવું કાંઈક ચોપતામાં મળ્યું હોત. પણ ત્યાંની વાત સાવ અલગ હતી, તાપણું કરે તો પણ એ માઈનસ ટેમ્પ્રેચરમાં બહાર કોણ બેસે એ સવાલ. હાથ ઠરી જતાં તો એ લોકોનાં ચૂલે જવું પડતું. તેનસિંગનો મેઘ જેવડો દિકરો કોન્વેન્ટ સ્કૂલમાં ભણતો હતો અને ક્રીસમસની રજાઓમાં અહીં આવેલો, દોડી દોડીને કામ કરતો જાય. હોટેલ હતી પણ અમને હોમસ્ટે જેવું જ લાગ્યું.
ચોપતા જબરું ગમી ગયેલું આશનાને. ચોપતાથી મંડલ વચ્ચે નું જંગલ પણ ખૂબ ગમ્યું હતું એટલે આજે ફરી પાછાં ચોપતા એમ વિચારેલું.
અમને ખબર નહોતી પણ અમે જ્યાં રોકાયા હતાં તે કેદારક્ષેત્ર હતું, જ્યાં પાંચ કેદાર આવેલા છે. કેદારનાથ, તુંગનાથ, રુદ્રનાથ, મધ્યમહેશ્ચર અને કલ્પેશ્ચર. રુદ્રનાથ જતો ટ્રેક ત્યાં પાસેથી જ જાય છે અને પાંચે કેદારમાં એ સૌથી કઠીન છે. નિખીલની ઈચ્છા આ ટ્રેક કરવાની હતી. પણ એક તો ઉત્તરાખંડ સરકારે કેમ્પીગ પર બાન કરેલ છે અને ક્યાં રુટ પર છૂટ આપી છે એ કાંઈ સ્પષ્ટ ના થયું અને તેનસિંગનાં કહેવા પ્રમાણે શિયાળા પછી જ જવું સારું પડે અને અત્યારે ત્રણ ચાર કિમીથી આગળ જઈ નહીં શકાય.
મેઘભાઈને પાંચ કેદારની માયથોલોજી માં રસ પડ્યો. ગોત્રહત્યા અને બ્રહ્મહત્યાનાં પાપનું પ્રાયશ્ચિત કરવા માટે પાંડવો શિવજીને શોધતાં કાશી પહોંચ્યા પણ તેમનાંથી નારાજ શિવ નંદીનાં રૂપમાં ગુપ્તકાશી-કેદારક્ષેત્રમાં સંતાયા. ભીમે બે પહાડો પર પોતાનાં પગ રાખી શિવજીની શોધ કરી! રુદ્રનાથમાં મોં, કેદારનાથમાં ખૂંધ, તુંગનાથમાં હાથ, મધ્યમહેશ્ચરમાં નાભિ-કમર અને કલ્પેશ્ચરમાં વાળ/જટા પૂજાય છે.
સવારે વહેલું નીકળી જવું એમ વિચારીએ પણ આ જગ્યાએ નવ-દસ વાગ્યા સુધી સૂર્યનો તડકો ના પહોંચે ત્યાં સુધી બહાર નીકળતાં સાચે જોર પડતું. આશના નીકળી ગઈ હોય અને અમે બ્રેકફાસ્ટ ટેબલ પર પહોંચીએ ત્યાં સુધીમાં એ રખડું ક્યાંય સુધી રખડી આવી હોય અને આટલાં નવાં પક્ષીઓ જોયાં કહીને રોજનો રેકોર્ડ આપે. મસ્ત મજાની થથરાવતી ઠંડી, ગરમાગરમ ટેસ્ટી આલુપરાઠા અને મસાલેદાર ચા...જલસા.
ચોપતા જવા નીકળ્યા પણ રસ્તામાં પેલી નદી જે આગલે દિવસે છૂટી ગયેલી ત્યાં જ અટકી ગયા. નદી તો સાંકડી જ પણ પથરાળ, ગોળ નાનાં મોટાં પથ્થરો. અમે ચારેય આમ સાથે જ પણ પોતપોતાની મસ્તીમાં પોતાની રીતે નદી સાથે, આજુબાજુ નાં પહાડો સાથે, પ્રકૃતિ સાથે ઓતપ્રોત થઈને વિતાવેલ એ સમય અમૂલ્ય. લગભગ આખો દિવસ એ મોહપાશમાં બંધાયેલા અમને ન તો ભૂખ લાગી, ન તરસ.
નદીની બીજી બાજુ ખેતરો અને એથી આગળ એક ગામ હોય એવું લાગતું હતું. પહાડો નાં પગથિયાં વાળા ખેતરો અને તેની વચ્ચેથી જતી સાંકડી પણ સુંદર વળાંકો વાળી કેડી. પ્રકૃતિનાં સૌંદર્યપાનથી તરબતર અમને જાણે બસ આ જગ્યા છોડવી જ નહોતી. સામેથી બે છોકરાઓ આવી રહ્યાં હતા. વાતચીત થઈ તો ખબર પડી એ સદામ કાશ્મીરથી અને એનો જોડીદાર સૂરજીત બંગાળથી હતાં. અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન સાથે જોડાયેલ હતાં અને ગામની સ્કૂલમાં ટીચર્સ ટ્રેનિંગ માટે આવ્યાં હતાં. એમજ પાંચ દસ મિનિટમાં અમે ઘણી વાતો કરી નાંખી. એમની ઓફિસમાં આવવાનું આમંત્રણ આપ્યું અને ખાસ તો ગામમાં આગળ થોડી ઊંચાઈ પર જઈને એ નજારો જોવાનું ના ચૂકતાં. અહા, આ દિવસ. આમ કશું જ નહીં પણ છતાંય ઘણું બધું.
હિમાલયનો દિવસ ઢળી ગયેલો, સ્કૂલમાંથી છૂટેલાં બાળકો સામે મળતાં જતાં હતાં. સાત આઠ છોકરીઓ લિફ્ટ મળે તેની રાહ જોઇને ઊભી હતી, સહેજ સ્મિત ની આપ લે થઈ ના થઈ અને ક્યારે વાતો શરુ થઇ ગઈ તે ખબર ના પડી. અમને ગાડી સુધી પહોંચતાં માંડ પાંચ સાત મિનિટ થઈ હશે ને જાતજાતની વાતો મંડાય ગઈ! એમને મંડલ સુધી જવું હતું, મેં કહ્યું જોઈ લો બધાં આવી જશો? હા, હમ તો કૈસે ભી બૈઠ જાયેંગે. આખાય કલબલાટને લિફ્ટ આપીને હું ચાલવા માંડી. આપણાં માટે અઘરું છે બાકી ખરી મજા તો પગપાળા હિમાલયને અનુભવવાની જ છે.
સાંજે ડિનર પછી તેનસિંગે વાતો માંડી. ખાસ અનસૂયા આશ્રમ જવાનું કહ્યું. ત્યાં કોઈ બહુ જ્ઞાની અભ્યાસુ સાધુ મહારાજ રહે છે એમને મળવું જોઈએ. એ સાધુનાં કોઈ ગુરુ છે જે ગુજરાતથી છે, ડોક્ટર હતાં અને પગપાળા હિમાલયમાં વિચરતા રહે છે. એવી બધી ઘણી રસપ્રદ વાતો કરી. અનસૂયા આશ્રમ જવાની ઈચ્છા હતી જ પણ જુદા કારણથી, વાંચેલું કે સરસ મજાનો ટ્રેક છે ત્યાં પહોંચવા માટે અને સુંદર શાંત જગ્યા છે. જોઈએ, કાલે વાત. આકાશ એકદમ સાફ દેખાય રહ્યું હતું, આકાશગંગા પણ.
તેનસિંગનાં રિસેપ્શન પ્લસ ડાઈનીગ એરિયામાં ટીવી છે અને સમાચાર આવી રહ્યાં છે. ઉત્તરાખંડમાં જબરદસ્ત ઠંડી અને ઘણે ઠેકાણે બરફવર્ષા. ઠંડીને લીધે પરેશાન સહેલાણીઓ. નગરપાલિકાઓ દ્રારા ઠેરઠેર ઊભી કરવામાં આવેલી તાપણાં ની સગવડ. અને આજ નો માહોલ કાંઈક જુદો હતો.
તેનસિંગ આ એરિયાનો થોડો ખમતીધર માણસ છે. કહે છે બદ્રીનાથમાં પણ મારી હોટલ છે. અહીં તો આમ ખાસ કોઈ આવતું નથી પણ જગ્યા હતી તો લોન લઈને આ હોટલ ઊભી કરી. એક દિકરો અને એક દિકરી. બાળકો માટેનાં એનાં સપનાં છે દરેક મા-બાપની જેમ. દિકરાને કોન્વેન્ટ સ્કૂલમાં ભણાવે છે એ વાતનું અભિમાન છે.
આજે ચોપતા, અનસૂયા અને ગોપીનાથ મંદિર જવું એમ વિચારીને ચોપતા તરફ ઉપડવાનું હતું. આગલે દિવસે તેનસિંગ ને rhododendron (બેરોન) નાં ફૂલ અને જ્યૂસ વિશે પૂછેલું તો એણે નજીકમાં જ મળે છે એમ કીધેલું એટલે પહેલાં ત્યાં ગયા. પણ તાજો રસ હમણાં નહીં મળે. શિયાળા પછી આખોય પ્રદેશ આ ફૂલો થી જવાય જાય છે. ગુલાબી રંગ નાં મોટા ફૂલો. લાલ અને સફેદ પણ થાય પણ તે ઝેરી ગણાય છે. એ જ્યૂસ ની દુકાન નહીં પણ ફેક્ટરી હતી. માલ્ટા, બેરોન, બીલા, આદુ વગેરે લોકલ પેદાશોનાં જ્યૂસ, અથાણાં અને જોશીમઠ રાજમા, ભટ એટલે કાળાં સોયાબીન વગેરે ખેત પેદાશો. ફેકટરીનો માલિક ટેમ્પો ભરીને નીકળવાની તૈયારીમાં હતો, કાંઈક ઉતાવળમાં હતો પણ પહેલાં ફ્રેશ જયૂસની અમારી ઈચ્છા જોઈને ફેકટરીની પાછળનાં એનાં ખેતરમાંથી માલ્ટા ઉતારી જ્યૂસ આપ્યું. પછી આખી ફેક્ટરી બતાવી અને એક એક વસ્તુ વિશે શાંતિથી વિસ્તારે સમજાવતો ગયો. મેઘ ને મજા પડી ગયેલી બધાં જ્યૂસ પીવાની અને આશનાને પાસેનાં એક મોટા ઝાડ પર ભડક કેસરી રંગનાં પક્ષીઓનું ઝૂંડ હતું તેની.
વાતવાતમાં નિખીલે રુદ્રનાથ જવાની ઈચ્છા બતાવી , ફેક્ટરીનાં માલિકને તો એણે નજીકમાં જ રહેતાં એક ગાઈડને બોલાવ્યો. પણ આજે તો ચોપતા જ એટલે પછી જણાવીએ કહી એને વિદાય કર્યો.
ફરી રસ્તે પેલાં લાફીગ બુધ્ધાની દુકાન, આ બે-ત્રણ દિવસમાં ઘણી વખત ત્યાંથી આવવાં જવાનું થયું. એની દુકાન ની સામે એક નળ છે ત્યાંથી અમે આવતાં જતાં પાણી ભરી લેતા. એના કહેવા પ્રમાણે આ પાણી દેખાય થોડું સફેદ એટલે શહેરનાં લોકો નથી પીતાં પણ અમે તો આ જ વાપરીએ છીએ. અને અમને પણ કાંઈ વાંધાજનક લાગ્યું નહીં.
પહાડો પર આજે સવારથી સફેદ વાદળોએ ડેરો જમાવેલ હતો, આજે વાતાવરણ રોજ કરતાં જુદું હતું. વિશાળ પહાડો અને સુંદર ગાઢ જંગલ, અહીં ફરી ફરીને આવવાનું અમને ગમે છે. ચોપતા નજીક આવતું ગયું અને ફરી બરફ રસ્તા પર. અહીંથી ગયા ત્યારે હતો એનાં કરતાં વધુ બરફ હતો આજે. મેઘભાઈની બરફમાં રમવાની, આળોટવાની ઈચ્છા બાકી હતી.બંનેએ સ્નોમેન, ડોલ્ફિન, પેંગ્વિન વગેરે બનાવ્યાં. બરફમાં રમ્યાં અને આળોટયા પણ. ઠંડી વધતી જતી હતી અને સ્નોફોલ થશે એવું લાગતું હતું. ઉપર એક વ્યૂ પોઈન્ટ અને વોચટાવર છે, ત્યાંથી દેખાતાં પહાડો પર જતી વખતે બરફ નહોતો પણ આજે ત્યાં બરફવર્ષાથી દ્શ્યો બદલાયેલ હતા. ત્યાંથી આગળ વધતાં સ્નો ફ્લેકસ શરૂ થયાં અને ધીરે ધીરે વધતાં ગયાં. માત્ર પડદાં પર જોયેલ ક્ષણોને અનુભવવાનો આનંદ. મેઘ, વરસાદને જોઈને પાગલ થનાર એ અહીં પણ એ જ આનંદ માં...oh, I love this. I love this. I can stay here forever. એની જેમ એક્સપ્રેસ ન કરનાર બીજા બે પણ એ જ આનંદને મન ભરીને માણી રહ્યાં હતાં.
અંધારું એકદમ છવાય જશે એમ લાગતું હતું એટલે અમે ગાડી રિર્ટન લીધી પણ હજુ અજવાળું હતું. ધીરે ધીરે આગળ વધતાં એક વળાંક પર ર્ટન લેતાં જ રસ્તાની એક સાઈડ પર ચાલી જતી મોનલ!!! એ આરામથી રસ્તો ક્રોસ કરી રહી હતી અને બીજી બાજુથી એક કાર ઝડપથી આવી, એ લોકોએ પણ મોનલ જોઈ, બ્રેક મારી પણ એટલી વારમાં એ ઝડપથી બીજી બાજુ ઉતરી ગઈ :( . આશના એ ત્રણ મેલ મોનલ જોયાં. પણ ફોટો નાં લઈ શકી. ફોટો આવે કે ન આવે પણ એ સુંદર, રંગીન પક્ષીને જોવું એ પણ એક આનંદ.
કુદરત આજે મહેરબાન હતી. આખોય રસ્તો સ્નો ફોલ ચાલુ રહ્યો. જ્યાં મોસ છવાયેલ હતી ત્યાં બધે બરફ છંટાય ગયો હતો. છેક મંડલ સુધી બરફનો આછો છંટકાવ રહ્યો. રસ્તામાં જ એક જગ્યાએ અનસૂયા જવાની કેડી હતી. એની સામેની ચાની દુકાન વાળાને પૂછ્યું. તો કહે ચારેક કિમીનો ટ્રેક છે, સરસ જંગલ છે. આમ તો જઈ શકાય પણ માહોલ ખરાબ છે એટલે રહેવા દો.
ચાલો કાંઈ નહીં, ગોપીનાથ મહાદેવ જઈ આવીએ. આમ તો હોટેલથી ચારેક કિમી પણ ગઈકાલે અંધારું થઈ ગયેલું એટલે રહેવા દીધેલું. એક તો રસ્તો સાંકડો, સામેથી ગાડી આવે તો તકલીફ થઈ જતી. ચાલતાં જવાની વાત પર તેનસિંગે ના પાડેલી, કારણ ત્યાંનાં લોકલ ડ્રાઈવર આવાં રસ્તા પર પણ ફાસ્ટ ચલાવે અને અંધારું હોય તો ઠોકાય જવાનો ડર રહે. આજે પણ અંધારું તો થઈ જ ગયેલું પણ આજે તો જવું જ છે. હોટેલ પર ડિનર તૈયાર કરવાનું કહીને નીકળી ગયાં. અંધારિયો, સાંકડો પહાડનો એ રસ્તો કાંઈક ડરામણો પણ કાંઈક અદભૂત મોહિની પાથરતો. એક ઢોળાવ પર ગાડી પાર્ક કરી, પગથિયાં ઉતરી, ફરી થોડું ચાલવાનું, ફરી પગથિયાં ઊતરવાનું અને એક આખું બજાર વટાવીને મંદિરે પહોંચ્યા. પ્રાચીન મંદિરોની અનૂભૂતિ અદભૂત. ગોપીનાથ એટલે રુદ્રનાથ મહાદેવનું શિયાળુ સ્થાન, એમની ડોલી ત્યાં જ હતી. મંદિરનાં પરસાળમાં મૂળ મંદિરનાં અવશેષો એવી ઘણી મૂર્તિઓ છે, વિવિધ શિવલિંગ છે. બાર ફૂટ ઊંચું ત્રિશૂળ છે. મહાદેવનાં તપોભંગ પછી કામદેવ પર છોડવામાં આવેલ ત્રિશૂળ. કહે છે શિવનો સાચો ભક્ત એને હાથ લગાવે તો ત્રિશૂળ ધ્રૂજે છે! હવે તો ફરતે જાળી છે. પ્રાચીન મંદિર, ત્રિશૂળ, સાંજ નો સમય... કાંઈક અહીં બાંધી રાખતું હોય એવું અનુભવ્યું. અંધારું, ઠંડી બંને એ અમને જલ્દી હોટલ ભેગા થઈ જવાની ફરજ પાડી. અને એક અદ્ભુત ભર્યા ભર્યા દિવસનો અંત.
ચારધામ કરનારાં પ્રવાસીઓ પણ કેદારનાથથી બદરીનાથ તરફ આવવા જવા માટે આ રસ્તો કદાચ નહીં વાપરતાં હોય, ચારધામ યોજનાની ચહલપહલ આ બાજુ નહોતી. ક્રિસમસની રજાઓ હતી પણ ભાગ્યે જ કોઈ ટુરિસ્ટ આ રસ્તે અવરજવર કરતાં જોયાં. તેનસિંગની હોટલમાં પણ બાકીની બધી રૂમ ખાલી હતી. ગોપેશ્વરથી જોશીમઠનો રસ્તો હતો, ઉપર જઈએ તો જોશીમઠ અને નીચે ઉતરીએ તો ચમોલી. અનસૂયા માતા, રુદ્રનાથ બાકી રાખીને આ વખતે તો નીકળવું પડશે. જોશીમઠનો રસ્તો બહુ લાંબે નથી, પણ એ પણ ફરી વખત. ફરીથી આવવાં માટે નાં ખુલ્લા છેડા છોડીને અમારી સફર આગળ ચાલી. ચમોલી થી નંદપ્રયાગ તરફ.
બધે રસ્તા ખોદાયેલા છે. ટ્રાફિક અટકી જાય ત્યારે ક્યાંક ક્યાંક વચ્ચે ઊતરી પડીએ છીએ. નદી અમારી સાથે જ છે. નદીકિનારે જવા માટે ઘણી ઊંચાઈ ઉતરીને એક ગામમાં પહોંચ્યા. ત્યાંથી કર્ણપ્રયાગ. માયથોલોજી પ્રમાણે કર્ણે અહીં સૂર્યનું તપ કરેલું અને કવચ/કુંડલ મેળવેલા. સ્વામી વિવેકાનંદે અહીં ૧૮ દિવસ મેડીટેશન કર્યું હતું. અહીં અલકનંદા અને પિંડર નદીઓનો સંગમ છે. સરસ જગ્યા છે પણ લોકોની ભીડ પણ વધારે છે.
કર્ણપ્રયાગની ભીડ છોડીને સહેજ આગળ જતાં નદીનું એક સુંદર સ્વરૂપ જોવાં મળ્યું. ઉછાળા મારતાં ફીણ ફીણ થઈ જતાં પાણી એકદમ પ્રચંડ વેગથી વહી રહ્યાં હતાં. ત્યાં કોઈ ભીડ નહોતી! પછી રસ્તા સારાં અને ભાગ્યે જ કોઈ ગાડી દેખાતી. બસ માત્ર અમે, અમારી XUV અને પહાડો. આદિ બદરી પહોંચ્યા ત્યાં સુધીમાં અંધારું થઈ ગયેલું. રોડ એકદમ સાંકડો અને રોડ પર જ મંદિરોનો સમૂહ છે. બહારથી જ જોઈને સંતોષ માનવો પડયો કારણ મંદિર બંધ હતું. એક સુંદર સ્થાપત્ય અને ઐતિહાસિક મહત્વ ધરાવતાં મંદિરને આમ જ મૂકીને જવાનો અફસોસ થયો. પણ એવાં તો કેટકેટલા અફસોસ લઈને જઈ રહ્યાં હતાં.
ચમોલી જીલ્લા પછી હવે અમે અલ્મોડા માં હતાં. ગઢવાલ છોડી કુમાઉ પ્રદેશ માં. અંધારું અને ઠંડી...ફરી એક રાતવાસો. રસ્તામાં જ સાલિયાન માં હોટલ ગોલોક મળી ગઈ. નામની જ હોટલ, ખરેખર હોમસ્ટે. નાનકડી પણ એકદમ સાફ સૂથરી રૂમ. હોટેલની માલિક સરિતાએ ફટાફટ મસ્ત દાલ ચાવલ બનાવી આપ્યાં.
રાતે તો કશું દેખાયું નહોતું પણ સવારે જોયું તો પહાડનાં ઢોળાવ પર અમારી રૂમ, પાછળ સરિતાનો કિચન ગાર્ડન અને થોડેક આઘે જતાં ઊંડી ખીણ અને ગાઢ જંગલ. આમ તો મંડલ તરફ આવ્યાં ત્યારથી મોટાભાગનાં ઘરોની બહાર માલ્ટાથી લચી પડેલાં વૃક્ષો જોયાં હતાં અને બહુ લાલચ પણ કરી હતી પણ અહીં તો રૂમ ની સામે જ. અને સાથે મોટી સાઈઝનાં લીંબુ નું પણ ઝાડ.
અમે ઉઠ્યા ત્યારે આશના ગાયબ હતી. આરામથી તૈયાર થયાં, નાસ્તો પણ પતાવી નાંખ્યો પણ એ બેનનાં કોઈ એંધાણ ના મળે. ભાઈ ઘરેથી ખાસ વોકીટોકી લઈને નીકળ્યો હતો, બેનની આદત એને ખબર. જંગલમાં જાય તો એક એને આપી રખાય. બેન ને વોકીટોકીનો અવાજ ના પરવડે એટલે કોઈ દિવસ લઈ ના જાય. આજે તો ખાસ્સી વાર થઈ ગઈ હતી અને દૂર સુધી ક્યાંય દેખાતી નહોતી. ભાઈ એ બેનને શોધવા જવું જ પડ્યું અને વોકીટોકીનો કાંઈક ઉપયોગ કરી શક્યો એનો સંતોષ.
સરિતાએ એનો બગીચો બતાવ્યો. માલ્ટા અને લીંબુ પણ તોડી આપ્યાં. હોટલની સામે ઉપર પણ ગાઢ જંગલ હતું. સરિતા કહે ત્યાં ઘણા જંગલી પ્રાણીઓ હોય છે. પણ એ ક્યારેય ગઈ નથી. એની સામેનાં ઘરની એક સ્રી નમસ્તે કહીને આવી. વાતોડી હતી, કહે મારાં હસબન્ડ આજે જ આવ્યાં છે નહીં તો હું લઈ જાત જંગલ માં. દસેક કિલોમીટર પર એક પહાડની ટોચ પર વિધાનસભા છે, ખૂબ સરસ જગ્યા છે એમ જાણીને ત્યાં ઉપડ્યા. સરસ વળાંકો વાળા રસ્તા અને શાંત જગ્યા. સાંજ સુધી રામનગર પહોંચી જશું એમ વિચારી શાંતિથી જઈ રહ્યાં હતાં પણ હવે પહાડો જલ્દી જ છૂટી જવાનાં એ વાતનું દુઃખ હતું.
પહાડોની ઊંચાઈ વધ ઘટ થતી જતી હતી. કારમાં એલ્ટીટયૂડ ચેક કરવાની ફ્રીકવન્સી વધી ગઈ હતી, જાણે ઓછી ઊંચાઈ કોઈને ખપતી નહોતી. દૂર દૂર બરફથી છવાયેલા હિમાલયનાં શિખરો અમારી દષ્ટિ ને જકડી રાખી રહ્યાં હતાં. ધીરે ધીરે ઊંચાઈ વધતી જતી હતી અને આ શિખરો વધુ સુંદર દેખાય રહ્યાં હતાં. વચ્ચે વચ્ચે અટકીને કેટલીય વાર આ સૌંદર્ય ને મન ભરીને માણ્યું. ખબર હતી રામનગર પહોંચ્યા પછી પહાડો નથી મળવાનાં. સંધ્યા સમયે આવાં જ એક સ્થળે થોભ્યા ને થયું આજે અહીં જ રોકાઈ જવું. અને ઘટ્ટી માં ત્રિશૂળ હોમસ્ટે મળી ગયું. આ એરિયામાં આજકાલ દિપડાની બહુ રાડ રહે છે એટલે સનસેટ પછી લોકો બહાર રહેતા નથી. પણ હોમસ્ટેથી સહેજ આગળ એક ઢોળાવ પરથી એટલો સુંદર સનસેટ દેખાય રહ્યો હતો કે જવું જ પડે. હોમસ્ટે ત્રિશૂળ એક ખૂબસૂરત લોકેશન પર છે. સામે ત્રિશૂળ અને બીજા બરફાચ્છાદિત શીખરો દેખાતાં હતાં, પહાડો પણ રમણીય.
ત્રિશૂળ હોમસ્ટે નાં જગ્ગુભાઈ અને તેમની પત્ની સાદા, ભોળા માણસો છે. નાનકડી ચા નાસ્તાની દુકાન છે અને ઘરની પાસે આ હોમસ્ટે નવું જ શરૂ કર્યું છે. રોડની પાછળની સાઈડ પર રૂમ અને રૂમની સામે મોટી બાલ્કની, આવું અહીં ઘણી જગ્યાએ હોય છે.
બાલ્કની માંથી પાછળ પહાડોનો ખૂબસૂરત નજારો, માઈનસમાં ઠંડી....એક બાજુ પથારીમાંથી નીકળવાનું મન નથી થતું અને બીજી બાજુ દરવાજો ખોલતાં જ ઠંડી થથરાવી દે છે.
દિપડાવાળી વાતનો ખોફ તો હતો ત્યાં લોકોને. પેપરમાં સમાચાર હતાં, નજીકનાં જ એક ગામમાં ૧૭વર્ષની એક છોકરી પર એટેક. મેઘ ભાઈને ચિંતા, બેન ગમે ત્યાં ગૂમ થઈ જાય તેની. આશનાનાં પક્ષીઓ માટેનાં લગાવને જોઈને જગ્ગુનાં પિતાજીએ પાછળ ખાલીજ બતાવ્યાં. સાંજે જગ્ગુએ કોઈ આર્ટિસ્ટ ને મેળવવાનું કીધેલું આશનાને એટલે એ તો તૈયાર જ હોય. અમે પરવારીને જગ્ગુની દુકાને પહોંચ્યા ત્યારે એ કોઈની સાથે વાતો એ વળગી હતી, એ વ્યક્તિને જોઈને જ થયું કે આ જ આર્ટિસ્ટ.
હોમસ્ટેની ઉપરની અગાસીમાં સૂર્યનો સરસ તડકો આવવો શરૂ થયો હતો અને ત્યાં જ બ્રેકફાસ્ટ કરીશું એમ નક્કી જ હતું પણ આ આર્ટિસ્ટ ભાઈ, અતુલ સિંહા બહુ રસપ્રદ વ્યક્તિ નીકળ્યા અમારાં બધાં માટે. ટ્રાવેલિંગનો શોખ તો અમારાં જેવો હતો જ ઉપરાંત ડ્રાઈવિંગનો શોખ પણ નિખીલ ને રસ પડે એવો. હિમાલયમાં ઘણું ફર્યા છે. મહિન્દ્રાની જ ગાડી છે એટલે મહિન્દ્રા નાં એડવેન્ચર ડ્રાઈવનાં પ્રોગ્રામ, હિમાલયમાં કરવા જેવા ટ્રેક, રોડ ટ્રીપ...વાતોનો ખજાનો હતો એમની પાસે. ઘણાં જુદા જુદા મિડીયમ માં કામ કર્યું છે અને હવે વુડ કાર્વિગ આર્ટ માં છે. થોડાં વર્ષોથી અહીં જ રહે છે. કોઈ આર્ટિસ્ટ ને મળવાનું હશે તો અડધો પોણો કલાક જશે એમ વિચારેલું પણ અમારી મુલાકાત લાંબી ચાલી. અમને વાતોમાં ખૂંપેલા જોઈને જગ્ગુએ અમારાં બધાંનો નાસ્તો ત્યાં જ લગાવી દીધો. ફરી એક વખત મસ્ત આલુ પરાઠા અને મસાલેદાર ચા. નાસ્તા પછી એમનો સ્ટૂડિયો જોવાં ગયા, પાસે જ હતો.
હિમાલયમાં એક ખાસ છોડ થાય છે જેનાથી વિંછીનાં ડંખ જેવી વેદના થાય છે. એનાં નામ પરથી સ્ટૂડિયોનું નામ છે.... nettleweed. એક જમાનામાં એથલીટ હતાં પણ એમ. એફ. હુસેનને મળ્યા પછી આર્ટનાં રસ્તે છે. પહેલાં અગાસી, પછી પહેલો માળ, પછી ગ્રાઉન્ડ ફ્લોર અને બગીચામાં, એમ ઉલટો ક્રમ હોઈ શકે પહાડોનાં મકાનોમાં. સ્ટૂડિયોની નાનકડી મુલાકાત પણ ઘણી મજાની રહી, ઉપરાંત જાણવા અને સમજવા જેવી પણ અમુક બાબતો આર્ટ વિશે એમણે આશના ને કહી. એમણે કહ્યું એ પ્રમાણે પહેલાં લોકો ખાલીજનો શિકાર કરીને ખાય જતાં પણ હવે જંગલ ખાતું બહુ કડક છે, કોઈ એક વોટ્સએપ મેસેજ પણ કરી દે શિકાર વિશે તો તાત્કાલિક પગલાં લેવામાં આવે છે.
( પાછા આવ્યાં પછી વનવગડો ગ્રૂપ માં એક પોસ્ટ હતી હિમાચલ પ્રદેશમાં પ્રાણી પક્ષીઓની વસ્તીમાં ચિંતા જનક હદે થયેલા ઘટાડા બદલ. ત્યારે સમજાયું કે ઉત્તરાખંડમાં જે પ્રાણી પક્ષીઓની આટલી વસ્તી અને વિવિધતા અમે જોઈ કે સાંભળી તે જંગલ ખાતા અને લોકોની સર્તકતાને આભારી છે. )
જીમ કોર્બેટમાં જવાની અમારી કોઈની ઈચ્છા આમ પણ નહોતી જે હદે કોમર્શિયલાઈઝેશન થયું છે તે કારણથી. પણ રામનગર થઈને જતાં જીમ કોર્બેટ માંથી પસાર તો થવાનું જ હતું.
ઘટ્ટી છોડ્યા પછી પહાડો છૂટી જશે એ ડર થોડે સુધી તો ના નડયો. હજી પહાડો, નદી અમારી સાથે હતાં. પણ પછી બહુ ઝડપથી એલ્ટીટયૂડ ઘટતી ગઈ અને અમારી ઉદાસી - હોમસીકનેસ વધતી ગઈ. લગભગ ૩૦-૪૦ કિમી નું જંગલ વટાવ્યું. અને હવે પહાડો સાવ છૂટી ગયા હતાં.
કાશીપુર, મુરાદાબાદથી આગળ દિલ્હી થઈને જ નીકળવાનું હતું. પણ આ વખતે પણ રાજ્યવર્ધન સિંહ રાઠોડની એપોઈન્ટમેન્ટ નહીં મળી શકે તેમ લાગતાં ફરી દિલ્હીનાં ટ્રાફિકમાં જવા કરતાં આગ્રા થઈને જઈએ એમ નક્કી કર્યુ. અલીગઢ સુધી રસ્તા ઠીક હતાં, પણ પછી સાંકડા અને ભીડભાડ ભરેલાં રસ્તા. સવારનાં બ્રેકફાસ્ટ પછી થોડાં ફ્રૂટ સિવાય કાંઈ ખાધું નહોતું એટલે ભૂખ કકડીને લાગેલી પણ ક્યાંય ઢંગની હોટલ રેસ્ટોરન્ટ દેખાય જ નહીં. મોટી સાઈઝની પૂરીઓ અને કાંઈ કલર કલરનાં સજાવેલા થાળ, ખબર નહીં શું શું હતું પણ એવું ખાવાની અમારી તૈયારી નહોતી. અમેે નવેક વાગ્યે આગ્રા પહોંચ્યા. આગ્રા પહોંચ્યા અને જાણે અમને ઠંડી લાગતી જ નહોતી!
તાજ નો ટાઈમ - સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધીનો એટલે આશનાને જલ્દી જ જવું હતું પબ્લિક આવે તે પહેલાં. અમારી તાજને જોવાની ઉત્કંઠા છતાં પણ મોડું તો થઈ જ ગયું. તાજ જોવા માટે લોકોની ભીડ તો અધધધ. દુનિયા ભરનાં જાતજાતનાં લોકોનો મેળો જાણે. મેઘની અકળામણ આસમાને, એને ભીડ જરા ન ગમે. કુદરતનો અણમોલ નજારો જોઈને આવેલાં અમને પણ તાજ ફીક્કો જ લાગ્યો. અમારી ઉત્કંઠા જલ્દી જ ઓસરી ગઈ. ગઈકાલે અકબરની કબર પર તો ખાસ જવું હતું, આગ્રાનો કિલ્લો પણ જોવો હતો પણ આજે હવે જલ્દી ઘર તરફ જવું હતું. તાજ એક નાયાબ ઈમારત, દુનિયાની સાતમી અજાયબી એ વાતમાં કોઈ શક નહીં પણ આજે અમારો મૂડ બદલાયેલ હતો.
આગ્રાથી જયપુર જતાં અમે ફતેહપુર સિક્રી અને ભરતપુર છોડી દીધાં!!! કેટલાં વર્ષોથી જવું હતું પણ સમય સમયની વાત. સાંજે આઠેક વાગ્યે જયપુર ગુજરાતી સમાજ પહોંચ્યા. સરદારજીની હીંગ વાળી કચોરી - ઓથેન્ટીક રાજસ્થાની ટેસ્ટની એ તો ખાવી જ પડે. અને સવારે જયપુર ના ફેમસ લસ્સીવાલાને ત્યાં લસ્સી.
સવારે સાત વાગ્યે જયપુર થી સીધાં સુરત. રાતે મોડેથી ઘરે પહોંચ્યા પણ દુનિયાનો છેડો ઘર.







